(એજન્સી) તા.ર૪
બુધવારે ઉત્તરાખંડના જુદા-જુદા ભાગોમાં જંગલમાં આગ લાગવાની ઓછામાં ઓછી ર૯પ નવી ઘટનાઓ નોંધાઈ હતી. આ સાથે જ છેલ્લા બે દિવસમાં કુલ ૧૦૩૬ દાવાનળની ઘટનાઓ નોંધાઈ હતી. વધતા જતા તાપમાન અને વરસાદની નહીંવત સંભાવનાઓ વચ્ચે ઉત્તરાખંડના જંગલો ભસ્મીભૂત થઈ રહ્યા છે. રાજ્યના વન વિભાગે કરેલા મોટા દાવાઓ ફરી એકવાર નિષ્ફળ પૂરવાર થયા હતા. દાવાનળની સૌથી વધારે અસર ગઢવાલ પ્રદેશમાં જોવા મળી હતી તેના પૌડી જિલ્લામાં સૌથી વધારે નુકસાન થયું છે. આ ઉપરાંત અલ્મૌરા, નૈનિતાલ, બાગેશ્વર, ચંપાવત, ઉત્તરકાશી, તેહરી અને ચમૌલીમાં પણ દાવાનળના અહેવાલો છે. વનવિભાગના અધિકારીઓને પાઈનના જંગલોમાં લાગેલા દાવાનળની જ્વાળાઓ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. દાવાનળ પર કાબૂ મેળવવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ)ની પણ મદદ લેવામાં આવી રહી છે. ઉત્તરકાશીના ડિસ્ટ્રીક્ટ ફોરેસ્ટ ઓફિસર સંદીપકુમારે કહ્યું હતું કે, ૧૧૦ લોકોની ટીમ જિલ્લાના જંગલોમાં લાગેલી આગ પર નિયંત્રણ મેળવવાના પ્રયાસો કરી રહી છે. બુધવારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી તિવેન્દ્રસિંઘ રાવતે બધા ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ અને ડિસ્ટ્રીક્ટ ફાયર ઓફિસરો જોડે વીડિયો કોન્ફરન્સ કરી હતી, તેમણે વન વિભાગના ખોટા દાવાઓ પ્રત્યે નારાજગી પણ વ્યક્ત કરી હતી.