ભરૂચ, તા.૯
યુ.કે.ના બોલ્ટનમાં ધંધાર્થે જઈ ત્યાં વસેલા મૂળ ભરૂચ જિલ્લાના કંથારિયા ગામના ઝુબેર દલાલના મકાનમાં શોર્ટસર્કિટથી આગ લાગતાં પત્ની તથા ત્રણ સંતાનોના ગૂંગળામણ અને દાઝી જતાં મોત નિપજ્યાં હતાં. આ કરૂણ બનાવની જાણ કંથારિયા ગામે થતાં સમગ્ર પંથકમાં; પટેલ સમાજમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર મૂળ ભરૂચ જિલ્લાના કંથારિયા ગામના વતની અને વર્ષોથી યુકેમાં સ્થાયી થયેલ જાણીતા દલાલ પરિવારના યાકુબભાઈના પુત્ર ઝુબેર દલાલ (ઉ.વ.૪પ) તેમની પત્ની અનિસા ઉમરજી (ઉ.વ.૪૦), પુત્ર હમ્દ (ઉ.વ.૧ર), યુસુફ (ઉ.વ.૧૦) તથા પુત્રી ખદીજા (ઉ.વ.પ) બોલ્ટન ખાતે રોસા મોન્ડ સ્ટ્રીટમાં રહેતા હતા.
ગતરોજ વહેલી સવારે ઝુબેરભાઈના મકાનમાં અચાનક શોર્ટસર્કિટથી આગ લાગતાં પરિવારજનો સફાળા જાગી ગયા હતા અને જાન બચાવવા મકાનની બહાર અનેક પ્રયત્નો કર્યા હતા અને ચીસાચીસ કરી મૂકી હતી. જેથી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. દરમિયાન આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આખા ઘરમાં આગ ફેલાઈ જતાં ઝુબેરભાઈએ પત્ની તથા સંતાનોને બચાવવા અનેક પ્રયાસો કર્યા હતા પરંતુ તે નિષ્ફળ ગયા હતા. અંતે ઝુબેરભાઈએ જીવ બચાવવા માટે બારીમાંથી છલાંગ મારી બહાર નીકળી ગયા હતા. દરમિયાન બનાવની જાણ ફાયર ફાઈટરોને કરાતાં તેઓ તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાની કોશિશ કરી હતી. જો કે આગમાં ઝુબેરભાઈની પત્ની અનિસા તથા ત્રણેય સંતાનો સાથે આગની લપેટો અને ધુમાડાના ગોટાઓ વચ્ચેથી બહાર નીકળી ન શકતાં તેઓના કરૂણ મોત થયાં હતાં. જ્યારે આ આગના બનાવમાં બારીમાંથી છલાંગ લગાવનાર ઝુબેરભાઈ ગંભીર રીતે દાઝી ગયા હોઈ સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગના આ ગોઝારા બનાવમાં દલાલ પરિવારની પુત્રવધૂ અને ત્રણેય સંતાનોનાં મોત નિપજ્તાં ચોમેર ગમગીની વ્યાપી ગઈ હતી. બનાવની જાણ કંથારિયા ગામે; ભરૂચ જિલ્લામાં થતાં સગાસંબંધીઓ, મિત્રો; સૌ શોકમાં ગરકાવ થઈ ગયા હતા.