(એજન્સી) તા.રપ
ગુરૂવારે વહેલી સવારે યુકેના બર્મિંગહામમાં પોલીસે પાંચ મસ્જિદોની બારીઓના કાચ હથોડી વડે તોડી પાડનાર ૩૪ વર્ષીય શખ્સની મેન્ટલ હેલ્થ એક્ટ હેઠળ અટકાયત કરી હતી. આ શખ્સે મસ્જિદો પર હુમલાની જવાબદારી સ્વીકારી પોલીસ સામે શરણાગતિ સ્વીકારી હતી. આ પાંચ મસ્જિદોમાં વિટ્ટોન ઈસ્લામિક સેન્ટર, વિટ્ટોન રોડ, એસ્ટન મસ્જિદ મદ્રેસા ફૈઝલ ઈસ્લામ, બ્રોડવે; પેરી બાર અલ-હબીબ ટ્રસ્ટ, બિર્ચફિલ્ડ રોડ, એસ્ટન જામિયા મસ્જિદ, આલ્બર્ટ રોડ અને એસ્ટન ગૌસિયા મસ્જિદ, સ્લેડ રોડ સામેલ છે. જો કે તપાસના આ સ્તરે પોલીસનું માનવું છે કે, આ હુમલામાં અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલું નથી અને આરોપી કોઈ સંગઠન સાથે જોડાયેલો નથી. આ ઉપરાંત ર૩ માર્ચ શનિવારે બાલસાથ હેલ્થ ખાતે આવેલા મદ્રેસામાં સવારે ૬ઃ૩૦ વાગ્યે તોડફોડની ઘટના બની હતી પરંતુ પોલીસનું કહેવું છે કે, આ તોડફોડની ઘટના મસ્જિદો પર થયેલા હુમલા સાથે સંબંધ ધરાવતી નથી. આ પ્રકારના હુમલાઓ પછી પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે.
આસિસ્ટન્ટ ચીફ કોન્સ્ટેબલ મર્ટ વાર્ડે કહ્યું હતું કે, અમે મસ્જિદના વ્યવસ્થાપકો અને સ્થાનિક સમુદાય સાથે મળીને કામ કરી રહ્યા છે. ગૃહસચિવ સાજીદ જાવિદે કહ્યું હતું કે, આ તોડફોડ ખૂબ જ ચિંતાજનક છે. તેમણે ટ્‌વીટ કર્યું હતું કે, વેસ્ડ મિડલેન્ડ પોલીસ હુમલા પાછળના ઉદ્દેશની તપાસ કરી રહી છે પરંતુ હું આ સ્પષ્ટ કરવા માંગું છું કે, દ્વેષપૂર્ણ વર્તણૂક માટે અમારા સમાજમાં કોઈ સ્થાન નથી અને તેને ક્યારેય સ્વીકારવામાં નહીં આવે. મસ્જિદો પર થયેલા હુમલાની પ્રતિક્રિયા રૂપે ર૩ માર્ચે બર્મિંગહામના સિટી સેન્ટર ખાતે ઈસ્લામોફોબિયા વિરોધી રેલી કાઢવામાં આવી હતી. સોશિયલ મીડિયા યુઝર્સે પણ આ હુમલાઓને વખોડી કાઢ્યા હતા.