(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૭
ઉપરવાસમાં વરસાદે વિરામ લેતા ઉકાઇ ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરીને ડેમ સંપૂર્ણપણે ભરી દેવાની ગણતરી મંડાઇ છે. જેને પગલે સપાટી હાઇએલર્ટ લેવલ ૩૪૦.૫૪ ફૂટને પાર કરીને હાલ ૩૪૧.૨૪ ફૂટને પાર થઇ ગઇ હતી. ડેમમાં ૬૪ હજાર ક્યુસેક ઇનફલો સામે ૧૧ હજાર ક્યુસેક ડિસ્ચાર્જ હાઇડ્રો મારફત કરાઇ રહ્યું છે. હાલમાં ડેમ ૯૦ ટકા ભરાઇ ગયો છે અને ૬૦૩૭.૨૭ એમસીએમ પાણીનો લાઇવ સ્ટોરેજ છે.
ઉકાઇ ડેમની કુલ લાઇવ સ્ટોરેજ કેપેસીટી ૬૭૩૦ એમસીએમ છે. મહત્તમ લેવલ ૩૪૫ ફૂટે સપાટી પહોંચી જાય તો ડેમ ૧૦૦ ટકા ભરાઇ જશે. હથનુર ડેમની સપાટી ૨૧૨.૩૯૦ મીટર નોંધાઇ છે અને હથનુરમાંથી ૫૭ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. વરસાદને લઇને આગામી ચાર દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. શહેરમાં આગાહી વચ્ચે છેલ્લા બે દિવસથી એક પણ ટીપું પાણી પડ્યું ન હતું. જો કે, હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી ફરી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેમાં ૧૯ મીથી વરસાદનું જોર વધશે. શહેરમાં સિઝનનો કુલ વરસાદ ૧૬૦૦ મીમી નોંધાયો છે.