(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૩
ઉકાઇના ઉપરવાસમાં આવેલા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં છેલ્લા સપ્તાહ દરમ્યાન થયેલ ભારે વરસાદના પગલે તાપી નદી ઉપર આવેલા નાના મોટા ચેકડેમો તથા આડબંધો છલકાતા હવે સડસડાટ પાણી ઉકાઈ ડેમમાં આવતું થયું હાવાનું જાણવા મળે છે. ઉકાઈ ડેમમાં આજે ૨ લાખ ક્યુસેકની આવક થતી હતી. જેના કારણે પાણીની સપાટી ૩૧૧ ફૂટથી વધી જવા પામી હતી.
સુરત સિંચાઈ વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત ચોવીસ કલાક દરમ્યાન ઉકાઈના ઉપરવાસમાં આવેલ મહારાષ્ટ્રમાં અને મધ્યપ્રદેશના કેચમેન્ટ એરિયામાં ધીમીધારે વરસાદ નોંધાઈ રહ્યા છે. ટેસ્કામાં ૪મીમી, ચીખલધરામાં ૧૬મીમી, બુરહાનપુરમાં ૭મીમી, હથનુરમાં ૩મીમી, ભુસાવલમાં ૧મીમી, સાવખેડામાં ૨મીમી, સારનખેડામાં ૨મીમી, સાગબારામાં ૩૪મીમી, ખેતીયામાં ૪મીમી, નંદરબારમાં ૭મીમી મળી ૨૧ ગેજસ્ટેશનમાં ૮૨.૨૦ મીમી અને સરેરાશ ૩.૯૧મીમી વરસાદ નોંધાયો છે. હથનુર ડેમની ભયજનક સપાટી ૨૧૪ મીટરની સામે આજની સપાટી ૨૧૦.૯૮ મીટર નોંધાઈ છે. આજે સવારે હથનુર ડેમમાંથી તાપી નદીમાં ૫૫૫૬૮ ક્યુસેકનો ડિસ્ચાર્જ ચાલી રહ્યાં છે. જે ગતરોજ ૧ લાખ ક્યુસેકનો હતો. હથનુર ડેમથી ઉકાઈ ડેમ સુધી તાપી નદી ઉપર આવેલ તમામ નાના મોટા આડબંધ છલકાઈ જતા હથનુરનો ડિસ્ચાર્જ પૂરેપૂરો ઉકાઈમાં આવી રહ્યાં છે. આજે સવારે છ કલાકે ઉકાઈની સપાટી ૩૦૯.૭૫ ફૂટ નોંધાઈ હતી. જ્યારે આવક ૯૪ હજાર ક્યુસેક હતો. ૭ વાગે ઉકાઈમાં ૮૯ હજાર, ૮ વાગે ૧.૨૧ લાખ ક્યુસેક, ૯ વાગે ૧.૬૩ લાખ ક્યુસેક અને સવારે ૧૦ કલાકે ૧.૯૪ લાખ ક્યુસેકની આવક નોંધાઈ હતી. આજે ઉકાઈ ડેમમાં ૧.૯૪ લાખ ક્યુસેકની આવક અને સપાટી ૩૧૦.૮૦ ફુટ નોંધાઈ હતી. સવારે ૬થી બપોરે ૧૨ સુધી છ કલાક દરમ્યાન ઉકાઈ ડેમની સપાટી ૧ ફૂટ વધી હતી. છેલ્લા એક સપ્તાહ દરમ્યાન ઉકાઈડેમની સપાટીમાં સડસડાટ ૧૦ ફૂટનો વધારો નોંધાયો છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફુટ અને રૂલ લેવલ ૩૩૫ ફૂટ છે. હજી પણ ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી ૩૫ ફુટ અને રૂલ લેવલથી ૨૫ ફુટ જેટલો ખાલી છે.