(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૫
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની જળસપાટીના તળીયા દેખાવા લાગતા ડેમમાં સ્ટોરેજ પાણીના જથ્થાથી હવે માત્ર પીવાની જરૂરીયાતને જ પ્રાધાન્ય આપવામાં આવશે. સિંચાઈ માટેનું રોટેશન પૂર્ણ થતાં ખેડૂતો પાસે વરસાદ જ એક માત્ર વિકલ્પ છે.
ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ કેચમેન્ટ એરિયામાં પણ ચોમાસુ ખેંચાયું છે. ઉપરવાસના એક પણ ગેજસ્ટેશનમાં વરસાદ હજુ સુધી નોંધાયો નથી. ઉકાઈ ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફુટની સામે આજની સપાટી ૨૮૬.૩૭ ફુટ નોંધાઈ છે. સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર મહાકાલના જણાવ્યા અનુસાર ઉકાઈ ડેમમાં આજની તારીખે ૧૩૦૦ એમસીએમ પાણીનો સંગ્રહ છે. જે પૈકી ૬૫૦ એમસીએમ ડેડ સ્ટોરેજ છે. ડેડ સ્ટોરેજનો ઉપયોગ અત્યંત આકસ્મિક સંજાગો માટે સંગ્રહિત કરવામાં આવે છે. ૬૫૦ લાઈવ સ્ટોરેજ છે. તેનો ઉપયોગ પીવાની જરૂરીયાત માટે કરવામાં આવશે.
ઉકાઈમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનું રોટેશન પૂર્ણ થયું છે. હવે ડેમમાં નવી આવક બાદ જ સિંચાઈ માટે પાણી છોડી શકાશે. તેથી ૬૫૦ એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણી દક્ષિણ ગુજરાતની પીવાના પાણીની જરૂરીયાત માટે પર્યાપ્ત છે.