(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતીએ કહ્યું છે કે ગંગા અને યમુનાની સફાઈના મિશન પૂર્ણ થયા બાદ દેશ-દુનિયાની અન્ય નદીઓ પણ હેસટેગ મી-ટુની હાકલ કરશે. તેમણે પત્રકારોને કહ્યું છે કે નદી અને મહિલાઓના આગળ વધવામાં કોઈપણ પ્રકારની અડચણ હોવી જોઈએ નહીં. તાજેતરમાં જાતીય સતામણી અને જાતીય હિંસા વિરુદ્ધ સોશયલ મીડિયામાં હેશટેગ મી-ટુ નામથી કેમ્પેન ચાલી રહ્યું છે. તેમાં દેશના વિભિન્ન ક્ષેત્રોની ઘણી હસ્તીઓના નામ સામે આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. ગંગા નદીના લઘુત્તમ પ્રવાહ પર એક સરકારી જાહેરનામાનો ઉલ્લેખ કરતા ઉમા ભારતીએ કહ્યું છે કે જ્યાં સુધી દુનિયાના સૌથી મોટા જળસ્ત્રોતોમાંથી એક આ નદીની સમસ્યાને સમજવામાં નહીં આવે. ત્યાં સુધી મુશ્કેલીઓનો ઉકેલ થઈ શકે નહીં. ઉમા ભારતીએ કહ્યું છે કે નદીઓને બચાવવા માટે દેશમાં આ એક મહત્વની ઘટના છે. તે ગંગા અને યમુનાથી શરૂ થશે અને ત્યારે દેશ-વિદેશની અન્ય નદીઓ પણ હેશટેગ મે-ટુ એટલે કે મારા માટે પણ આંદોલન શરૂ કરો તેવી હાકલ કરશે. ઉમા ભારતીએ કહ્યું છે કે નીતિન ગડકરીએ આ કાર્યક્રમ શરૂ કર્યો છે અને તમામ નદીઓ પણ મી-ટુ કહેવા લાગશે. તેઓ પણ આવું જ જાહેરનામું ઈચ્છે છે. નદીઓ અને મહિલાઓના આગળ વધવામાં કોઈ અડચણ હોવી જોઈએ નહીં. આ સંકલ્પ લેવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ગડકરી પણ હાજર હતા. વિદેશ રાજ્ય પ્રધાન એમ. જે. અકબરના મી-ટુ અભિયાનમાં ઘેરાવા સંદર્ભે ગડકરીએ કોઈ જવાબ આપ્યો નથી. આ પહેલા ઉમા ભારતીએ કેમ્પેનને યોગ્ય ગણાવ્યું હતું. પરંતુ એમ. જે. અકબર સંદર્ભે પુછવામાં આવેલા સવાલનો જવાબ આપવાનું તેમણે ટાળ્યું હતું.