(એજન્સી) નવી દિલ્હી, તા.૨૫
હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હવે ખરડાયેલી છબી ધરાવતા ગોપાલ કાંડાનો ટેકો લેવા સામે ભાજપમાં જ વિરોધી સૂર ઉઠવા માંડ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતીએ કાંડાનો ટેકો લેવા સામે સવાલો ઉઠાવતા કહ્યું છે કે, ગોપાલ કાંડા અપરાધી છે કે નિર્દોષ તે તો કાયદો નક્કી કરશે પણ તેનુ ચૂંટણીમાં જીતવુ તેને અપરાધોથી મુક્ત નથી કરતુ. ચૂંટણી જીતવા માટે બીજા પણ ઘણા ફેક્ટર કામ કરતા હોય છે.
જો કે તેમણે કરેલા સંખ્યાબંધ ટિ્‌વટમાં કહ્યુ છે કે, એક સમય એવો હતો કે હરિયાણામાં બે બેઠકો જીતીને પણ આપણએ ખુશ થતા હતા. કારણકે તે વખતે મોદી લહેર નહોતી પણ પહેલાં હરિયાણામાં સરકાર બનાવવી અને બીજી વખત સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવવુ બહુ મોટી સફળતા છે. આ મોદીજીની તપસ્યાનું પરિણામ છે.
જો કે, ઉમા ભારતીએ ગોપાલ કાંડાના મામલે કહ્યું છે કે, ભાજપે નૈતિકતા ભૂલવી જોઇએ નહીં. હરિયાણામાં સરકાર ભલે બને પણ ભાજપને ટેકો આપનારા લોકોની છબી સ્વચ્છ હોય તે જરૂરી છે.
ગોપાલ કાંડા ભાજપના નેતાઓને ગઈકાલે મળી ચૂક્યા છે. ૨૦૧૨માં તેમની કંપનીમાં કામ કરનાર મહિલા કર્મચારી અને પૂર્વ એર હોસ્ટેસ ગીતિકાએ આત્મહત્યા કરીને સ્યુસાઈડ નોટમાં આ માટે ગોપાલ કાંડાને જવાબદાર ઠેરવ્યા હતા. હવે ચૂંટણી જીતીને કાંડા ફરી ચર્ચામાં આવી ગયા છે.