(એજન્સી) નવી દિલ્હી, તા.૯
જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીમાં રવિવારે થયેલી હિંસા પછી ભાજપ નેતા ઉમા ભારતીએ કહ્યું છે કે, વિચારકોનું એક ગ્રૂપ યુનિવર્સિટીના વાતાવરણમાં ઝેર ભેળવી રહ્યું છે. તેમણે આ વિચારકોની સરખામણી સાપની એક વિશેષ પ્રજાતિ સાથે કરી છે. ઉમા ભારતીએ કહ્યું છે કે, આવા સાપની સંખ્યા તો ખૂબ ઓછી હોય છે પરંતુ તે બહુ ઝેરીલા હોય છે. આપણે સમાધાન કાઢીને તેમને ઠીક કરવા પડશે. બીજી બાજુ હિંસા પછી જેએનયુ ગયેલી દીપિકા પાદુકોણની નિંદા થઈ રહી છે. તેલંગાણાના ભાજપ ધારાસભ્ય રાજા સિંહે તેમની ફિલ્મ છપાકનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. જેએનયુમાં ફી વધારાના મુદ્દે વિરોધ-પ્રદર્શન કરવામાં આવતા હતા ત્યારે અમુક બુકાનીધારીઓએ ડંડા અને લોખંડના રૉડથી તેમના પર હુમલો કર્યો હતો. તેમાં ૩૦થી વધારે વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઘાયલ થયા હતા. સ્ટુડન્ટ યુનિયન સંઘની અધ્યક્ષ આઈશી ઘોષ પણ ગંભીર રીતે ઘાયલ થઈ હતી.