(એજન્સી) તા.૩
કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ કહ્યું હતું કે અમે ભગવાન રામ નથી કે દલિતોની સાથે ભોજન કરીશું તો તે પવિત્ર થઈ જશે જ્યારે દલિતો અમારા ઘરે આવી સાથે બેસી ભોજન કરશે ત્યારે અમે પવિત્ર થઈ જઈશું. દલિતને જ્યારે હું મારા ઘરમાં પોતાના હાથથી ભોજન આપીશ ત્યારે મારૂં ઘર ધન્ય થઈ જશે. એમણે કહ્યું કે, દલિતોના ઘરે નેતાઓ જાય છે એના બદલે દલિતોએ આપણા ઘેર આવવું જોઈએ અને સાથે બેસીને ભોજન કરવું જોઈએ. ઉમા ભારતીની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે પાર્ટીના આદેશથી ભાજપના નેતાઓ દલિતોના ઘેર ભોજન માટે જઈ તેમને રિઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. મધ્યપ્રદેશમાં સમૂહભોજન પ્રસંગે હાજર રહેલા લોકોને સંબોધતા ઉમા ભારતીએ કહ્યું હતું કે તે અહીં ભોજન માટે રોકાઈ શકે તેમ નથી. દલિતો સાથે જમવું એ પોતાના શુદ્ધિકરણની પ્રક્રિયા છે પરંતુ તે યજમાન બનવાનું પસંદ કરશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભાજપના એક મંત્રી સુરેશ રાણા જ્યારે દલિતોના ઘરે ભોજન કરવા ગયા તો તેમણે જમવાનું બહારથી મંગાવ્યું હતું જેના કારણે વિવાદ ઊભો થયો હતો.