(એજન્સી) તા.૨૮
વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદે કહ્યું હતું કે ભારતમાં આજે કોમવાદી વાતાવરણ સર્જાયું છે અને એક મુસ્લિમ હોવું ખરેખર એક ચૂંટણીલક્ષી ગેરલાભ છે. તેમણે કહ્યું કે ફક્ત ધાર્મિક ઓળખ જ તેમના માટે નુકસાનદાયક કે ખતરા સમાન નથી બની રહી પણ સંઘ પરિવાર અને તેની સાથે સંકળાયેલા સંગઠનો અને લોકો તેમની મુસ્લિમ તરીકેની ઓળખ પર હુમલા કરી રહ્યા છે. ખાલિદે એક જાણીતા મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે હું ફક્ત એટલું સ્પષ્ટ કરી દેવા માગું છું કે હું એક મુસ્લિમ છું. હા હું ડાબેરી પણ છું પણ હું ભારતનો નાગરિક પણ છું. હું આ દેશનો એક વિદ્યાર્થી પણ છું. એટલા માટે મારી પાસે અનેક પ્રકારની ઓળખ છે. તેમણે લઘુમતી સમુદાયો પર આચરાતી એટ્રોસિટી અંગે બોલતાં દેશમાં બેરોજગારીના મુદ્દા ઉપર પણ પ્રકાશ પાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે સંઘ પરિવાર મને ફક્ત એક મુસ્લિમ તરીકે જુએ છે અને તેઓ ઈચ્છે છે કે ભારતમાંથી મુસ્લિમો જતા રહે. JNUના વિદ્યાર્થી ઉમર ખાલિદ જેમના પર તાજેતરમાં દેશના પાટનગરમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે હવે હિંસાનું ડિસેન્ટ્રલાઈઝેશન કરાઈ રહ્યું છે. તેમણે કહ્યું કે તેઓ મેસેજ આપી રહ્યાં છે કે હવે મુસ્લિમો, ખ્રિસ્તીઓ, લિબરલો, આદિવાસીઓને સમાજ સ્વીકારશે નહીં. તેમણે કહ્યું કે આ સ્પષ્ટ છે કે આજે દેશમાં ફક્ત એક જ ધર્મ, એક જ દેશ, એક જ સંસ્કૃતિ અને એક જ વિચાર પર વાત કરવામાં આવી રહી છે. જોકે તેમણે વિપક્ષને પણ આડેહાથ લેતાં કહ્યું કે વિપક્ષ પણ દેશમાં હિંસાને સમર્થન આપે છે. તેમણે કહ્યું કે આજે દેશમાં તમે સંઘ પરિવાર વિશે વાત કરી રહ્યાં છો તો તમે લિન્ચિંગ અને કોમી ધ્રુવીકરણ વિશે વાત નથી કરતા કેમ કે કદાચ તમે ચૂંટણીમાં પરાજિત કરી દેશો પણ વૈચારિક રીતે RSS હજુ પણ જીતી જશે.