(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી (જેએનયુ)ના વિદ્યાર્થી નેતા ડો.ઉમર ખાલિદે જણાવ્યું કે, આગામી વર્ષ ર૦૧૯ની ચૂંટણીઓને કોમવાદી રંગ આપવાનો મોટો પ્રયાસ ચાલી રહ્યો છે. હિન્દુ અને મુસ્લિમ વચ્ચે ઝેર ફેલાવવાને ચૂંટણીનો મુદ્દો બનાવવામાં આવશે પરંતુ લોકોએ આ મુદ્દાની અવગણના કરવી જોઈએ. તેમણે કહ્યું આપણી મુખ્ય સમસ્યા મજૂર, દલિત, ખેડૂતો, યુવા બેરોજગાર, મુસ્લિમ અને ગરીબી છે. એ ભૂલવું જોઈએ નહીં. જેએનયુમાંથી પીએચડી વિદ્વાન ઉમર ખાલિદે તેલંગાણાના વિદ્યાર્થી ઈસ્લામિક સંગઠનના સંમેલનમાં સંબોધન કર્યું હતું. તેમણે સંમેલનમાં પરિસર લોકતંત્રના મુદ્દા, પરિસરમાં ચૂંટણીઓ કરવામાં અસફળતા ફક્ત શેરીઓમાં જ નહીં પરંતુ ટીવી ચેનલોના એન્કરોનું પણ મોબ લિંચિંગ અને યુવાઓને નોકરીઓ આપવામાં સરકારની નિષ્ફળતા અંગે જણાવ્યું હતું.
ડો.ખાલિદે જણાવ્યું કે, સરકાર હિન્દુ-મુસ્લિમ વિશે સતત વાતો કરી રહી છે પરંતુ રાષ્ટ્ર જે સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે એ વાસ્તવિક તકલીફો અંગે શબ્દ સુદ્ધાં ઉચ્ચારતી નથી. તેમણે મોદી સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, મોદી સરકારની ભાગલાવાદી નીતિ કામ કરશે નહીં. કારણ કે લોકો મોદીની વિભાજનકારી નીતિથી સુમાહિતગાર થઈ ગયા છે. આપણે ખોરાક, નોકરી અને ગરીબી જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, લોકો જાણી ગયા છે કે, વાસ્તવિક સમસ્યાઓથી અન્યત્ર ધ્યાન ખસેડીને મોદી સરકાર એમને અંદરો અંદર લડાવી રહી છે. તેમણે મીડિયા પર હુમલો બોલાવતા કહ્યું કે, મોટાભાગની નફરત ટેલિવિઝન ચેનલોના મારફતે ફેલાવાઈ હતી. એમણે કહ્યું કે, એવા પત્રો પહેલા પ્રેસને મોકલવામાં આવ્યા કોર્ટને કેમ નહીં. તેઓ આમ કેમ કરી રહ્યા છે ? આ અગાઉ સરકારે એમ કહીને સહાનુભૂતિ મેળવવા પ્રયત્ન કર્યો હતો કે, હિન્દુ જોખમમાં હતો અને હવે તેઓ મોદીને જોખમમાં નાંખીને સહાનુભૂતિ મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે.