(એજન્સી)
નવી દિલ્હી, તા. ૧૭
જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદ પર હુમલાની જવાબદારી સ્વીકારતા બે હિંદુવાદી ગુંડાઓએ એક વોટ્‌સએપ વીડિયો જારી કર્યો છે, આ વીડિયોમાં તેઓ ખાલિદ પર હુમલાની જવાબદારી લેતા કહે છે કે, ખાલિદ પર હુમલો કરીને સ્વતંત્રતા દિવસે લોકોને આઝાદીની ભેટ આપવા માગતા હતા. ટોચની સમાચાર એજન્સી અનુસાર વોટ્‌સએપ પર શેર થઇ રહેલા ચાર મિનિટના વીડિયોમાં બંને યુવકોએ પોતાના નામ સર્વેશ શાહપુર અને નવીન દલાલ ગણાવ્યા છે. વીડિયોમાં એક શખ્સ હાથમાં તિરંગો લઇને ઉભો છે. બંનેએ સ્વીકાર્યું છે કે, તેઓ ૧૫મી ઓગસ્ટે લોકોને ભેટ આપવા માગતા હતા.
હુમલાની જવાબદારી લેતા બંને યુવકોએ એમ પણ કહ્યું છે કે, પોલીસ અન્ય લોકોને પરેશાન ના કરે. તેઓ ૧૭મી ઓગસ્ટે સિખ ક્રાંતિકારી કરતારસિંહ સરાભાના ઘરની સામે આત્મસમર્પણ કરશે. સ્પેશિયલ સેલના એક અધિકારીએ કહ્યું છે કે, જો તેમના દાવા યોગ્ય સાબિત થશે તો પોલીસ તેમની ધરપકડ કરી લેશે. ગુરૂવારથી જ પોલીસ આ બંનેની શોધખોળ કરી રહી છે. પોલીસ તપાસમાં હરિયાણા અને પંજાબ પોલીસની મદદ લેવા પણ તૈયાર છે. પોલીસને શંકા છે કે, આ વીડિયો હરિયાણા અથવા પંજાબમાં તૈયાર કરાયો છે. ઉલ્લેખનીય છે કે, સોમવારે દિલ્હીમાં બંધારણીય ક્લબ ખાતે જેએનયુના વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે, ખાલિદને કોઇ ઇજા નહોતી થઇ. ખાલિદ ‘યુનાઇટેડ અગેનસ્ટ હેટ’ સંગઠનના ‘ખૌફ સે આઝાદી’ કાર્યક્રમમાં ભાગ લેવા માટે બંધારણીય ક્લબ પહોંચ્યા હતા.