(એજન્સી) નવી દિલ્હી, તા.૯
જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી (જેએનયુ)ના વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદને જાનથી મારવાની ધમકીઓ મળી રહી છે. ખાલિદે આ મામલે દિલ્હી પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. વિદ્યાર્થી નેતાએ જણાવ્યાનુસાર, એમને ધમકી આપનાર શખ્સે ફરાર ગેંગસ્ટર રવિ પૂજારી તરીકે પોતાની ઓળખ આપી છે. દલિત નેતા અને ગુજરાતમાં અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ રવિ પુજારી તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હોવાનો આરોપ મૂક્યો છે. વિદ્યાર્થી નેતાએ ટ્‌વીટ કરીને પોલીસ પાસે સુરક્ષાની માગ કરી હતી. ખાલિદે જિગ્નેશ મેવાણીને મળી રહેલ જાનથી મારવાની ધમકીઓને લઈને ટ્‌વીટ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, પાછલા ત્રણ દિવસમાં મેવાણીને ૩૦ વાર જાનથી મારવાની ધમકી મળી છે. આ વખતે જે વ્યક્તિએ મેવાણીને ધમકી આપી છે એણે જણાવ્યું છે કે લિસ્ટમાં ખાલિદનું નામ પણ સામેલ છે. પત્રકાર, કાર્યકર્તા અને જે કોઈપણ સરકાર વિરૂદ્ધ બોલે છે એને ધમકીઓ આપવામાં આવી રહી છે. આ એક નિયમ બની ગયો છે. આ ઘણું ભયાનક છે. આ સિવાય એક અન્ય ટ્‌વીટમાં ઉમર ખાલીદે કહ્યું કે, એમને તથા મેવાણીને મળી રહેલ જાનથી મારી નાખવાની ધમકીઓ મામલે એમણે રવિ પુજારી વિરૂદ્ધ દિલ્હી પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. એમણે કહ્યું કે, રવિ પૂજારીને એમને હિટ લિસ્ટમાં મૂક્યા છે. એમણે પોલીસ સુરક્ષાની પણ માગ કરી છે. ફેબ્રુ ર૦૧૬માં પણ ઉમર ખાલિદને આ વ્યક્તિએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી એમ તેમણે જણાવ્યું હતું.