(સંવાદદાતા દ્વારા) દાહોદ-લીમખેડા, તા.૧૭
દાહોદ શહેર સહિત જિલ્લામાં વરસાદે ઘણો લાંબો વિરામ લેતા ઊભો પાક સુકાઇ જવા માંડતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા હતા અને પાક નિષ્ફળ જવાની ભીતી સેવાતી હી. તેવા સમયે જ ગઇ કાલ રાતથી મેઘરાજાએ દાહોદ શહેર સહિત જિલ્લામાં પુનઃ પધરામણી કરતાં મકાઇ સહિતના પાકને જીવતદાન મળતા ધરતી પુત્રો રાજીના રેડ બન્યા હતા.અને તેઓના માથે ઘેરાયેલા ચિતાના વાદળો વિખરાયા હતા.દાહોદ જિલ્લામાં સર્વત્ર વરસાદ થયો છે.જેમાં દાહોદ તાલુકાના ૨૦મીમી, ગરબાડામાં ૬૮ મી, ધાનપુરમાં ૭૦ મીમી, દે.બારીયમાં ૪૮ મીમી, લીમખેડામાં ૩૭ મીમી, ઝાલોદમાં ૧૦ મીમી, ફતેપુરા-૧૫ મીમી, સંજેલીમાં ૮ મીમી, તથા સીંગવડમાં ૧૮ મીમી વરસાદ મળી જિલ્લામાં કુલ ૨૯૪ મીમી વરસાદ નોધાયો છે.અને હાલ પણ જિલ્લામાં સર્વત્ર વરસાદ ચાલુ છે.દાહોદ જિલ્લાના ૮ ડેમો પૈકી ઉમરીયા ડેમ ૦.૪૦ મીટર ઓવરફ્લો થયેલ છે.જેના કારણે નીચાણવાળા ૬ ગામોને હાલ અલર્ટ કરવામાં આવ્યા છે.મામલતદારની ટીમે સ્થળ મુલાકાત લીધી હતી.અને અત્યારે કોઇ ચિંતા જેવું નથી.પરંતુ વહીવટી તંત્ર દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.લોકોને ડેમની આસપાસ ન જવા જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા જણાવાયું છે. સવા ત્રણ ઇંચ વરસાદ વરસી જતાં લીમખેડા નગરમાં માર્કેટ વિસ્તાર અને ઇન્દીરા વસાહતમાં, શાસ્ત્રી ચોક, શ્રી રામ સોસા. જેવા નીચાણવાળા વિસ્તારોમાં ધુટણસમાં પાણી ભરાયા હતા.તેમજ ઉપરવાસમાં વધુ વરસાદ થવાથી ઉમરિયા ડેમ છલકાવા લાગતા ધરતી પુત્રોમાં આનંદ છવાયો હતો.ઉમરિયા ડેમ ૨૮૦ મીટરની જળ સપાટી વટાવીને ૪૦ સેન્ટી મીટરે હાલમાં છલકાઇ રહ્યો છે.