માંગરોળ,તા.પ
આજે સવારે ૬ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી ઉમરપાડા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. અંદાજે ચાર કલાકમાં છ ઈંચ જેટલો વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે.
તો બીજી તરફ પ્રથમ વરસાદે જ નસારપોર ગામે બનાવેલ ચેકડેમ ઓવરફ્લો થઈ જવા પામ્યો છે જ્યારે પ્રથમ વરસાદે તાજેતરમાં બનેલ સેવલાણ-ચીમીપાતલ-ખોટા રામપુરા આશરે સાત કિ.મી.ની લંબાઈ ધરાવતા માર્ગ ઉપર ધોવાણ થવા પામ્યું છે. ખાસ કરી આ માર્ગને ક્રોસ કરી ખેતરોનું વરસાદી પાણી જતું હતું તે સ્થળે માર્ગ અને મકાન વિભાગ દ્વારા લો-લેવલ બ્રિજ બનાવવાના બદલે સીધા નાળાઓ નાંખી લઈ એના ઉપર માર્ગ બનાવી દેતાં આખે આખા નાળા ધોવાઈ જવા પામ્યા છે. ઉમરપાડા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતાં માંગરોળ તાલુકામાંથી પસાર થતી ભૂખી નદી પણ ચોમાસાની મોસમમાં પ્રથમવાર બે કિનારાઓ સાથે વહેવા લાગી છે જો કે આ વરસાદને પગલે જાનહાનિના કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી.