(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૧
ગત ચોવીસ કલાક દરમિયાન સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સૌથી ભારે વરસાદ જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ૧૫ ઈંચ (૩૮૦ મીમી) જેટલો મૂશળધાર વરસાદ નોંધાયો છે તે સિવાય શહેર જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ૮થી ૩ ઈંચ જેટલો વરસાદ થયો છે. આજે સવારથી માંગરોળ, ચોર્યાસી અને માંડવીમાં એક ઈંચથી વધુ વરસાદ થયો છે.
સુરત જિલ્લા ફલ્ડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ ગત ચોવીસ કલાક દરમિયાન શહેર સહિત તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. બારડોલીમાં ૪૦ મીમી, ચોર્યાસીમાં ૩૮ મીમી, કામરેજમાં ૫૦ મીમી, મહુવામાં ૩૨ મીમી, માંડવીમાં ૮૨ મીમી, માંગરોળમાં ૧૪૮મીમી, ઓલપાડમાં ૪૮ મીમી, પલસાણામાં ૨૯ મીમી, સુરત શહેરમાં ૫૮ મીમી અને ઉમરપાડામાં સૌથી વધુ ૩૮૦ મીમી (૧૫ ઈંચ) જેટલો ભારે વરસાદ નોંધાયો છે. આજે સવારથી બપોર સુધીમાં પણ તમામ તાલુકાઓમાં ધીમી ગતિએ વરસાદ નોંધાયો છે. બારડોલીમાં ૧૨ મીમી, ચોર્યાસીમાં ૩૮ મીમી, કામરેજમાં ૧૯ મીમી, મહુવામાં ૯ મીમી, માંડવીમાં ૨૭ મીમી, માંગરોળમાં ૪૯ મીમી, ઓલપાડમાં ૧૩ મીમી, પલસાણામાં ૧૬ મીમી, સુરત સિટીમાં ૧૭ મીમી અને ઉમરપાડામાં ૭ મીમી વરસાદ નોંધાયો છે. ગત ચોવીસ કલાક દરમિયાન ઉમરપાડા તાલુકામાં થયેલ મૂશળધાર વરસાદના પગલે તમામ નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઇ છે. ઉમરપાડા તાલુકાની ભૌગોલિ પરિસ્થિતિ જોતા પહાડોવાળા વિસ્તારો હોવાથી વરસાદી પાણીનો ઝડપભેર નિકાલ થઇ જાય છે. ૧પ ઇંચ વરસાદ છતાં કોઈ પણ અણબનાવ કે જાનહાનિ નોંધાઈ નથી. તાલુકામાં પરિસ્થિતિ રાબેતા મુજબ હોવાની માહિતી ઉમરપાડા મામલતદાર દ્વારા જિલ્લા ફલ્ડ કન્ટ્રોલ રૂમને જાણ કરવામાં આવી છે. જિલ્લામાં સવારથી ઝરમર વરસાદી ઝાપટા ચાલી રહ્યાં છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ગતિએ સતત થઈ રહેલ વરસાદના પગલે શહેરીજનોને શહેરમાં જ હિલ સ્ટેશન જેવો અનુભવ થઈ રહ્યાં છે.