(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૮
લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ અગાઉ ચાર અને બે મળી કુલ છ ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ આજે વધુ સાત ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. બારડોલીથી ફરી તુષાર ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે તો વલસાડ બેઠક પર કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીને ટિકિટ આપી છે. આ અગાઉ કોંગ્રેસે આણંદ, અમદાવાદ પશ્ચિમ, વડોદરા અને છોટાઉદેપુર ઉપરાંત કચ્છ અને નવસારી બેઠકના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.
ર૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં બે દાયકાનો સર્વશ્રેષ્ઠ દેખાવ કરનાર કોંગ્રેસ હવે લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપ પાસેથી ગુજરાતની ર૬માંથી વધુમાં વધુ બેઠકો આંચકી લેવા માંગે છે. આથી ઉમેદવારોની પસંદગીમાં તે કાચુ કાપવા માગતો નથી. આથી જ ઉમેદવારની જ્ઞાતિ ઉપરાંત ઓછામાં ઓછો વિરોધ થાય તેવા ઉમેદવારને ટિકિટ આપવા માંગે છે. દરમ્યાન કોંગ્રેસે આજરોજ વધુ સાત ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં બારડોલી બેઠક પર પૂર્વ કેન્દ્રિયમંત્રી અને બે વાર સાંસદ રહી ચૂકેલા તુષાર અમરસિંહ ચૌધરીને ટિકિટ આપી છે. જ્યારે વલસાડ બેઠક પર જૂના જોગી કિશન પટેલને બદલે સતત ચાર ટર્મથી ચૂંટાતા કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીને તક આપી છે. જ્યારે પોરબંદર બેઠક પર ધોરાજીના ધારાસભ્ય અને પાસના કન્વીનર તથા ખેડૂતો માટે સતત લડત ચલાવતા પાટીદાર અગ્રણી લલીત વસોયાને ટિકિટ આપી છે. જ્યારે અલ્પેશ ઠાકોરની ખોટી જીદના કારણે ઘોંચમાં પડેલી પાટણ બેઠક પર કોંગ્રેસે વરિષ્ઠ આગેવાન અને પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરને ટિકિટ આપી ઠાકોર સમાજનો રોષ ઠંડો પાડવાનો પ્રયાસ કર્યો છે. અલ્પેશને મનાવી જગદીશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે જૂનાગઢથી પૂંજાભાઈ વંશ અને પંચમહાલથી વી.કે. ખાંટને ટિકિટ આપી છે. જ્યારે ભાજપના ગઢ ગણાતા રાજકોટમાં પાટીદાર આંદોલનમાં સક્રીય ભાગ ભજવનાર મોરબી-ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા પર ભરોસો મૂકી પાટીદાર મતો અંકે કરવાનો દાવ રમ્યો છે. આમ કોંગ્રેસે જ્ઞાતિ સમીકરણોને ધ્યાનમાં રાખી વધુ સાત બેઠકોના નામ જાહેર કર્યા છે. આ સાથે કોંગ્રેસ કુલ ૧૩ બેઠકોના નામ જાહેર કરી ચૂકી છે.

કઈ બેઠક પર કોણ ?
પોરબંદર – લલિત વસોયા
બારડોલી – તુષાર ચૌધરી
વલસાડ – જીતુ ચૌધરી
પંચમહાલ – વી.કે.ખાંટ
પાટણ – જગદીશ ઠાકોર
જૂનાગઢ – પૂજા વંશ
રાજકોટ – લલિત કગથરા