હિંમતનગર,તા.ર૩
સાબર ડેરીની ૧૬ પૈકી ૪ બેઠકો માટે શુક્રવારે યોજાયેલા મતદાન બાદ તેની મતગણતરી શનિવારે સાબર ડેરીના હોલમાં બે રાઉન્ડમાં કરાઈ હતી જેમાં બે રાઉન્ડને અંતે પૂર્વ ચેરમેન પ્રેરિત વિકાસ પેનલના ચારેય ઉમેદવારો જંગી બહુમતીથી વિજયી બન્યા હતા જો કે પ્રતિસ્પર્ધી પરિવર્તન પેનલના ઉમેદવારોને હારનો સામનો કરવો પડયો હતો મતગણરી દરમ્યાન ૯૦૬ પૈકી ૬૯ મત અમાન્ય કર્યા હતા પરિણામ જાહેર થયા બાદ વિજય ઉમેદવારોને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ટેકેદારો અને શુભેચ્છકોએ બિરદાવ્યા હતા. સાબર ડેરીમાં ડિરેકટરોની બિનહરીફ વરણી થાય તે માટે સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશભાઈ પટેલ અને સાબર ડેરીના ચેરમેન જેઠાભાઈ પટેલની કુનેહ તથા દુરંદેશીને લીધે સાબરડેરીની ૧ર બેઠકો બિનહરીફ થઈ હતી. ૧૬ પૈકી હિંમતનગર-૧, પ્રાંતિજ, તલોદ અને માલપુર બેઠક માટે ચૂંટણી અનિવાર્ય બની હતી જેથી તા.રર ફેબ્રુઆરીએ સાબરડેરીના હોલમાં મતદાન યોજાયું હતું. જેમાં સાબરકાંઠા અને અરવલ્લીના મળી ૯૧૪ પૈકી ૯૦૬ મતદારોએ મતદાન કર્યું હતું જેના લીધે ૯૯.૧ર ટકા મતદાન થવા પામ્યું હતું. ત્યાર બાદ શનિવારે સાબરડેરી ખાતે મતગણતરી હાથ ધરાઈ હતી. જેમાં પ્રથમ રાઉન્ડમાં વિકાસ પેનલના ચારેય ઉમેદવારો પરિવર્તન પેનલના ઉમેદવારો કરતા આગળ રહ્યા હતા. બીજા રાઉન્ડને અંતે ગણતરી દરમ્યાન વિકાસ પેનલના ઉમેદવારો જીત તરફ તેજ ગતિએ આગળ રહેતા બપોરે બાર વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. જેમાં સૌથી વધુ પ્રાંતિજ બેઠકના ઉમેદાવરને ૬૩ર મત મળ્યા હતા ત્યાર બાદ બીજા નંબરે માલપુર બેઠકના કિવાસ પેનલના ઉમેદવાર અને પૂર્વ ડિરેકટર રહ્યા હતા. આમ તો ચારેય બેઠક પૂર્વ ચેરમેન પ્રેરિત વિકાસ પેનલના ઉમેદવારોએ વિજય મેળવતા નવી ટર્મના ચેરમેન તરીકે જેઠાભાઈ પટેલ નિશ્ચિત મનાય છે.