અમદાવાદ, તા.૩
પાટીદાર અનામત આંદોલનના કન્વીનર ઉપર થયેલા હુમલા અંગે પ્રતિક્રિયા આપવા માટે હાર્દિક પટેલની ગુરૂવારે ઉમિયાધામ કેમ્પસમાં પ્રેસ કોન્ફરન્સ હતી. તેથી હાર્દિક જેવો ઉમિયાધામ પહોંચ્યો તે પહેલાં જ પોલીસ બંદોબસ્ત ત્યાં હતો ત્યારે હાર્દિકને અંદર જતો અટકાવતા થયેલી રકઝક બાદ પાસની ટીમ ધરણાં ઉપર બેસી ગઈ હતી. જેને પગલે પોલીસે હાર્દિક સહિતના પાસના ૧પ જેટલા સભ્યોની અટકાયત કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર દિનેશ બાંભણિયા ઉપર બુધવારે રાત્રે હુમલો થતાં આંદોલનકારીઓમાં રોષ ફાટી નિકળ્યો હતો. ત્યારે ગુરૂવારે બપોરે અમદાવાદના એસજી હાઈવે ઉપર આવેલા ઉમિયાધામ કેમ્પસમાં પાસના કન્વિનર હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ રાખી હતી. એટલે હાર્દિક ઉમિયાધામ પહોંચ્યો હતો પરંતુ ત્યાં પહેલાંથી જ પોલીસ બંદોબસ્ત હતો અને તેને અંદર પ્રવેશતો અટકાવવામાં આવ્યો હતો. જેથી પહેલા તો તેણે વિરોધ કર્યો હતો. ત્યારબાદ ઉમિયાધામ કેમ્પસના હોર્ડિંગ નીચે જ હાર્દિક સહિત પાસના સભ્યો ધરણા પર બેસી સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. કલાકો સુધી પાસના કાર્યકરોએ ધરણાં ચાલુ જ રાખતા પોલીસે હાર્દિક પટેલ, વરૂણ પટેલ સહિત પાસના ૧પ જેટલા સભ્યોની અટકાયત કરી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ખાતે લઈ જવામાં આવ્યા હતા.