(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૬
સઉદી સરકારે નવો કાયદો બનાવી જે વ્યક્તિએ જીવનમાં એકવાર પણ હજ કે ઉમરાહ કર્યા હોય અને તેઓ ફરી જવા માંગતા હોય તેવા તમામ લોકોએ ચાલુ વર્ષથી બે હજાર સઉદી રિયાલ એટલે કે લગભગ રૂા.૩પ,ર૦ર વધારે ચૂકવવાના રહેશે તેવા કરેલા ફરમાનનો ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન પ્રો. મોહમ્મદઅલી કાદરીએ ઉગ્ર વિરોધ નોંધવી સઉદી એમ્બેસેડર, હજ કમિટી ઓફ ઈન્ડિયા, લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી સહિતના સત્તાધિશોને પત્રો પાઠવી પુનઃ વિચારણા કરવા જણાવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે નાની નાની બચત કરીને હજ માટે મક્કા-મદીના જવા માંગતા હાજીઓ માટે ખૂબ જ દુઃખદ સમાચાર છે. તેમણે આ અંગે નારાજગી વ્યક્ત કરીને સઉદી ખાતેના ભારતીય એમ્બેસેડર સમક્ષ વિરોધ નોંધાવ્યો છે અને આ અંગે ફેર વિચારણા કરવા સઉદી સરકાર સાથે આ મુદ્દો હાથ ધરવા તેઓને વિનંતી કરેલ છે. ચેરમેન પ્રો.કાદરીના જણાવ્યા અનુસાર ઉમરાહ કર્યા બાદ નાની બચત કરીને જીવનમાં એક વખત હજ પઢવા જવા માંગતા હાજીઓ માટે પણ આ નિયમ આઘાતજનક બનશે અને અસંખ્ય હાજીઓ વધારાની આટલી મોટી રકમ ભરી નહી શકવાના કારણે પોતાની અરજી રદ કરવા મજબુર બનશે અને પવિત્ર હજ યાત્રાએ જઈ શકશે નહીં જે દુઃખદ બાબત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અસંખ્ય લોકો હજ અગાઉ ઉમરાહ કરી આવ્યા હોય છે. કેટલાક મોટેરાઓ તેમના બાળકોને ઉમરાહમાં લઈ જતા હોય છે હવે આવા બાળકો મોટા થઈ હજ કરવા જાય તો તેમણે એવો કયો ગુનો કર્યો કે વધારાના રૂા.ર હજાર સઉદી રિયાલ ભરવા પડે ? એકવાર હજ કરીને આવ્યા બાદ બીજીવાર હજ કરવા જતા હાજીઓ પાસેથી વધારે રકમ વસુલે એ એકવાર સમજી શકાય પરંતુ તે રકમ પણ વ્યાજબી હોવી જોઈએ.