(એજન્સી) અનાદોલુ,તા.૨૩
સીરિયા બાબતોના યુ.એન. ખાતેના વિશેષ રાજદૂતે કહ્યું કે સીરિયા મુદ્દે રાજકીય વાતચીતના નવા દોરમાં ફક્ત સીરિયા પોતે મુદ્દાઓ ઉકેલી શકશે નહિ પણ એના માટે આંતરરાષ્ટ્રીય સહયોગની આવશ્યકતા છે. જીનીવામાં પત્રકાર પરિષદમાં રાજદૂત ગેઈર પેદેર્સેને કહ્યું કે સીરિયન બંધારણીય કમિટીના પાંચમા રાઉન્ડનો ઉદ્દેશ્ય યુદ્ધગ્રસ્ત સીરિયામાં શાંતિપૂર્ણ ઉકેલ શોધવાનો છે. કમિટીની મીટીંગ જીનિવામાં શરુ થવાની છે. એમણે નોંધ્યું હતું કે, ‘‘અમે જયારે તુર્કી અને રશિયા સાથે ઇદલીબ બાબત કરાર કર્યો ત્યાર પછી માર્ચ મહિનાથી પહેલા કરતા જો કે શાંતિ દેખાઈ રહી છે. પણ અમોએ જેમ પહેલા કહ્યું હતું કે આ ટૂંકી શાંતિ છે. આ બધા મુદ્દાઓ સીરિયા દ્વારા એકલા ઉકેલાવી નહિ શકાય એમાં આંતરરાષ્ટ્રીય સહયોગ જોઈએ છે. વિશ્વએ સીરિયાની સર્વભૌમિકતા અને પ્રાદેશિક અખંડિતતાનું વર્ષોથી ભંગ થતો જોયો છે. અમોએ સંઘર્ષના આ ૧૦ વર્ષોમાં આર્થિક મુશ્કેલીઓ જોઈ છે પણ એના માટે ફક્ત આંતરિક પરિબળો જવાબદાર નથી બાહ્ય પરિબળો પણ એટલા જ જવાબદાર છે. એમણે કહ્યું કે, જોકે હજુ સુધી રાજકીય પ્રક્રિયાથી કોઈ પણ સાનુકુળ પરિણામ મળ્યું નથી. ન તો હાલની પરિસ્થિતિમાં કોઈ ફેરફાર આવ્યો છે નહિ કે ભવિષ્યમાં ફેરફારની સંભાવના દેખાય છે. જેમ કે મેં પહેલા પણ કહ્યું હતું કે સરિયામાં સંઘર્ષનો અંત લાવવા કોઈ એક ગ્રુપ અથવા દેશ પોતાની ઈચ્છા સીરિયા પર થોપી શકશે નહિ બધા ગ્રુપોએ ભેગા મળી એના માટે પ્રયાસો કરવા પડશે. એમણે કહ્યું કે જોકે મેં હજુ સુધી નવા અમેરિકન વહીવટ સાથે કોઈ ચર્ચા કરી નથી પણ મને આશા છે કે એમના દ્વારા સાનુકુળ પ્રતિભાવ મળશે. ૨૦૧૧ના વર્ષથી સીરિયામાં ચાલી રહેલ ગૃહયુદ્ધથી પચાસ લાખ લોકો વિસ્થાપિત થયા છે.