સુરત, તા.૧૭
ઉન વિસ્તારમાં આવેલા ભીંડી બજાર નજીક એક કચરાના ઢગમાંથી બે નવજાતના મૃતદેહ મળી આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. માતા શબ્દને શર્મસાર કરતી ઘટનાને લઈને લોકોના ટોળાં ઉમટી પડ્યા છે. જ્યારે છેલ્લા પાંચ કલાકથી બે પોલીસ સ્ટેશન વચ્ચે હદને લઈને ચાલતા જંગથી લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. નવજાતના મૃતદેહ પોલીસની હદની જંગમાં પાંચ કલાકથી રઝળ્યા હતા. ત્યારબાદ સચીન જીઆઇડીસી પોલીસે બાળકીનો કબજો લઇ નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ રૂમમાં મોકલી આપી હતી. નવજાત બાળકીઓનાં મોતને લઇ અજાણી મહિલાઓ પર ચારે તરફથી લોકો ફીટકાર વરસાવી રહ્યા છે. અગાઉ પણ ઉન પાટીયા પાસે કચરા પેટીમાંથી એક નવજાત બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જો કે પોલીસે તેમાં હત્યા કરનાર માતાની ધરપકડ કરી છે અને સુરત સહિત દેશભરમાં બેટી બચાવો, બેટી પઢાઓ માટે અનેક સામાજિક સંસ્થાઓ અને લોકો મોટાપાયે બૂમ બરાડા પાડી રહ્યા છે. પરંતુ ઉન પાટીયા પાસે મળી આવેલી બે બાળકીઓની લાશ જોઇને માત્ર બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાન કાગળ પર જ લાગી રહ્યું છે.
હાલ પોલીસે સુરત શહેરની હોસ્પિટલોમાં ડિલિવરી થયેલી મહિલાઓની માહિતી મેળવવાનું કામ શરૂ કર્યું છે. જેના કારણે મૃત નવજાત બાળકીની માતા સુધી પહોંચી શકાય અને મોત પાછળનું કારણ જાણી શકાય.