(એજન્સી) તા.ર
શ્રીનગરમાં રહેતા સૈદા કદલ નામની સ્થાનિક કહે છે કે યુએનમાં ઈમરાન ખાને દરેક બોલ પર જાણે છગ્ગા પર છગ્ગા ફટકાર્યા હોય તેવી સ્પીચ આપી હતી. તેમનો કહેવાનો અર્થ એ હતો કે ૨૭ સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાને ૫૦ મિનિટ જેટલું ભાષણ આપ્યું હતું જે એકદમ ધારદાર રહ્યું હતું. આ ભાષણ દરમિયાન ક્રિકેટરમાંથી રાજનેતા અને પછી વડાપ્રધાન બનેલા ઈમરાન ખાને કાશ્મીરની ઊંડે ઊતરી ગયેલી સમસ્યાઓને દુનિયા સમક્ષ લાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે આ દરમિયાન છેલ્લે ૫ ઓગસ્ટથી લોકડાઉનની સ્થિતિ અંગે પણ ભારત વિરુદ્ધ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આ દરમિયાન કરવામાં આવેલી રાજનેતાઓ, યુવાનોની ધરપકડને પણ પડકારી હતી અને કહ્યું હતું કે તેનાથી કાશ્મીરમાં સંઘર્ષની સ્થિતિ વધુ વકરશે. ઉલ્લેખનીય છે કે ભારત સરકારે ૩૭૦ કલમ હટાવ્યા બાદથી જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્ય તરીકેનો દરજ્જો છીનવાઈ ગયો છે. તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવામાં આવ્યો છે. આ કારણે જ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી ટોચના સ્તરે પહોંચી ગઈ છે. ભલે કાશ્મીર મુદ્દે યુએનમાં ઈમરાન ખાનના ભાષણની સરકાર દ્વારા કે જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્ર દ્વારા ટીકા કરવામાં આવી રહી હોય પરંતુ કાશ્મીર ખીણના લોકોની વાત કરીએ તો તે લોકોને ઇમરાનનું ખાનનું ભાષણ ખૂબ જ પસંદ આવ્યું હતું. બારામુલ્લા જિલ્લાના એક મૌલવી ગુલામ મોહમ્મદ કહે છે કે ઈમરાન ખાને દુનિયા સમક્ષ ભારતને ઉઘાડું પાડી દીધું છે. તેમણે કાશ્મીરની સ્થિતિને દુનિયા સમક્ષ લાવી છે. તેમણે દરેક કાશ્મીરી વિશે વાત કરી. છેલ્લા બે મહિનાથી દરેક કાશ્મીરી એવું અનુભવે છે કે તેને એક કોટડીમાં કહો કે પછી એક કબરમાં પૂરી દેવામાં આવ્યા છે. જ્યારે ઈમરાન ખાને તેમની પીડા દુનિયા સમક્ષ લાવી તો સમગ્ર કાશ્મીરીઓને મહદ અંશે રાહતના શ્વાસ મળ્યા હતા. તેમણે ઈસ્લામ ધર્મ અંગેના ઈમરાન ખાનના મેસેજને પણ વધાવી લીધો હતો. તેમણે કહ્યું કે હાં સાચી વાત છે કે દુનિયાના મુસ્લિમ નેતાઓએ ઈસ્લામોફોબિયા મુદ્દે મુક્તમને વાત કરવાની જરૂર છે અને તેને વૈશ્વિક સ્તરે ઊઠાવવાની જરૂર છે. ઈમરાન ખાને આ મુદ્દાને દુનિયા સુધી પહોંચાડવા માટે યુએનના મંચનો ઉપયોગ કરીને પોતાની હોંશિયારી સાબિત કરીદીધી છે. ખરેખર તે સારા એવા સ્માર્ટ છે. જોકે ૨૭ સપ્ટેમ્બરે ઇમરાન ખાનની સ્પીચ પછી શ્રીનગરમાં લોકો ઈમરાન ખાનના ભાષણની ઉજવણી કરવા માર્ગો પર ઉતરી આવ્યા હતા. આઝાદી સમર્થિત નારેબાજી કરવામાં આવી હતી અને ઈમરાન ખાનને વધાવી લેવાયા હતા.