(એજન્સી) સંયુક્ત રાષ્ટ્ર, તા. ૧૪
જમ્મુ અને કાશ્મીર તેમ જ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (પીઓકે)માં માનવ અધિકારોનો ભંગ કરવામાં આવી રહ્યો હોવાનું સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રનો આ પ્રકારનો આ પ્રથમ રિપોર્ટ છે. રિપોર્ટમાં માનવાધિકારોના ભંગની આંતરરાષ્ટ્રીય તપાસની માગણી કરવામાં આવી છે. જોકે, સંયુક્ત રાષ્ટ્રે ભારત અને પાકિસ્તાન માટે ભલામણો ઘડી કાઢી છે અને ભારે વિવાદાસ્પદ રીતે ભારતને કાશ્મીરના લોકોના આત્મનિર્ણયને માન આપવાનું કહેવામાં આવ્યું છે. યુએન રિપોર્ટમાં પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં પણ માનવ અધિકારોના ભંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. માનવ અધિકાર હાઇકમિશનના સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલયે પાકિસ્તાનને શાંતિપૂર્વક કામ કરતા કાર્યકરો સામે આતંક વિરોધી કાયદાઓનો દુરૂપયોગ રોકવા અને અસંતોષનો અવાજ દબાવવાનું બંધ કરવાનું પણ કહ્યું છે. રિપોર્ટમાં ૧૯૯૦ના આર્મ્ડ ફોર્સિસ (જમ્મુ અને કાશ્મીર) સ્પેશિયલ પાવર એક્ટ (આફસ્પા)ને તાકીદે રદ કરવા અને માનવ અધિકારોના ભંગના આરોપી સલામતીદળોના કર્મચારીઓ સામે સ્થાનિક કે નાગરિક કોર્ટોમાં ખટલો ચલાવવા માટે કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી મેળવવાની જરૂરિયાતને પણ તાકીદે દૂર કરવાનું જણાવવામાં આવ્યું છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કાશ્મીરમાં રાજકીય સ્થિતિના કોઇ પણ ઉકેલમાં હિંસા રોકવાના સંબંધમાં પ્રતિબદ્ધતા અને ભૂતકાળમાં તેમ જ વર્તમાનમાં માનવ અધિકારોના ભંગ અંગે જવાબદારી હોવી જોઇએ. યુએનના માનવ અધિકાર સંસ્થાના વડા ઝૈદ રાઅદ અલ-હુસેને જુલાઇ ૨૦૧૬થી થયેલી બધા નાગરિકોની હત્યાની અને પેલેટ ગનના ઉપયોગથી થયેલી ગંભીર ઇજાઓ સહિત સલામતી દળો દ્વારા બળનો વધુ પડતા કરવામાં આવેલા ઉપયોગની તપાસ કરાવવાની હાકલ કરી છે. તેમણે ટોળા પર કાબૂ મેળવવા માટે પેલેટ ગનનો ઉપયોગ તાકીદે બંધ કરવાની પણ માગણી કરી છે. ઝૈદે એવું પણ જણાવ્યું છે કે કાશ્મીરમાં માનવ અધિકારોના ભંગની એક સર્વગ્રાહી સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય તપાસ કરાવવા માટે કમિશન ઓફ ઇન્ક્વાયરી (સીઓઆઇ)ની રચના કરવા અંગે વિચારણા કરવાની માનવ અધિકાર કાઉન્સિલને અરજ કરી છે. આ કાઉન્સિલનું નવું સત્ર આગામી સપ્તાહે યોજાશે. પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર વિશે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે માનવ અધિકારની ઓફિસને પણ અભિવ્યક્તિની સ્વતંત્રતા પર નિયંત્રણોને કારણે પીઓકેની પરિસ્થિતિ વિશે માહિતી મેળવવાનું મુશ્કેલ બની જાય છે.

ભારતે યુએન રિપોર્ટને ભ્રામક, પક્ષપાતી અને પ્રેરિત ગણાવીને ફગાવી દીધો

ભારતે જમ્મુ અને કાશ્મીરમાં માનવાધિકારોના ભંગ અંગેના સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટને ભ્રામક,ગેરમાર્ગે દોરનાર, પક્ષપાતી અને પ્રેરિત ગણાવીને ફગાવી દીધો છે અને જણાવ્યું છે કે યુએનનો રિપોર્ટ ભારતના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડતાનો ભંગ કરે છે. સંયુક્ત રાષ્ટ્રનો રિપોર્ટ જારી કરાયાના કલાકોમાં જ ભારતના વિદેશ મંત્રાલય દ્વારા આકરી પ્રતિક્રિયા આપતા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે યુએન રિપોર્ટ સંપૂર્ણપણે પૂર્વગ્રહથી પ્રેરિત છે અને ખોટી તસવીર રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અમે આવા રિપોર્ટના ઇરાદા સામે પ્રશ્ન ઉઠાવીએ છીએ. સંપૂર્ણ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. પાકિસ્તાને ભારતના આ રાજ્યના એક ભાગ પર ગેરકાનૂની રીતે અને બળજબરીથી કબજો જમાવી રાખ્યો છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે યુએનનો રિપોર્ટમાં મોટાભાગે ખરાઇ નહીં કરાયેલી માહિતી પસંદગીની રીતે એકત્રિત કરવામાં આવી છે. યુએનના રિપોર્ટમાં ભારતની સાથે પાકિસ્તાનની પણ ટીકા કરવામાં આવી છે પરંતુ ભારત સરકારે તાકીદે પ્રતિક્રિયા આપી છે જ્યારે પાકિસ્તાન સરકારે યુએન રિપોર્ટ અંગે હજી સુધી કોઇ પ્રતિક્રિયા આપી નથી. ભારત સરકારે એવો દાવો કર્યો છે કે ભારતીય લોકશાહીમાં કાયદેસરની ફરિયાદોના નિકાલ કરવા માટે જરૂરી બધું જ છે. જમ્મુ અને કાશ્મીરમાં લોકશાહી રીતે ચૂંટાયેલી સરકાર છે, તેથી પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર સાથે જમ્મુ અને કાશ્મીરની સરખામણી કરી શકાય નહીં. જ્યારે પીઓકેમાં એક પાકિસ્તાની રાજદ્વારીને તેના વડા તરીકે મનસ્વી રીતે નિયુક્ત કરાયો છે.

કાશ્મીર અંગેનો યુએન રિપોર્ટ કચરાપેટીમાં નાખો : સુબ્રમણ્યમ સ્વામી

જમ્મુ અને કાશ્મીર અંગે સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટને ભારતે ગેરમાર્ગે દોરનાર અને હાનિ પહોંચાડનાર ગણાવ્યો છે અને જણાવ્યું છે કે યુએનનો રિપોર્ટ ભારતના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડતાનો ભંગ કરે છે અને ખોટું વર્ણન કરે છે. સંપૂર્ણ જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગે છે. કાશ્મીર અંગે યુએનના જારી કરાયેલા રિપોર્ટ અંગે પ્રતિક્રિયા આપતા ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું કે તેઓ યુએનના રિપોર્ટને કચરાપેટીમાં ફેંકી દેશે. યુએનઓએચસીએચઆર ભારે પૂર્વગ્રહવાળું ડોબેરીઓના વર્ચસ્વવાળું સંગઠન છે.આપણે તેમને કહેવું જોઇએ કે જે લોકો વિષય સમજતા નથી, એવા લોકો દ્વારા લખવામાં આવેલા અહેવાલને અવગણવો જોઇએ. અમે કોઇ ટિપ્પણી કરીશું નહીં.