(એજન્સી) કાબુલ, તા.૧૦
અફઘાનિસ્તાનના કુડુંઝ પ્રાંતમાં આવેલા દશ્ત-એ-અરાચી જિલ્લાના લઘમાની ગામમાં ર એપ્રિલના રોજ આશરે પ૦૦-૧પ૦૦ પુરૂષો અને છોકરાઓ ‘દશ્તાર બંદી’ના ધાર્મિક સમારોહની ઉજવણી માટે ખુલ્લી જગ્યામાં એકઠા થયા હતા. વિદ્યાર્થીઓ દ્વારા કુર્આનને યાદ કરવાના સમાપન અંગેની આ ઉજવણી જુદા-જુદા નવ મદ્રેસાઓમાં યોજાઈ હતી.
તાલિબાનના કબજા હેઠળના વિસ્તારોમાં દશ્તારબંદીનો સમારંભ યોજાયો હતો. જેમાં કેટલાક નિઃશસ્ત્ર સભ્યો પણ હાજર રહ્યા હતા. જો કે, કેટલાક સશસ્ત્ર લડવૈયાઓ કામચલાઉ પોલીસચોકીઓ પર સુરક્ષા પૂરી પાડી રહ્યા હતા.
લગભગ ૧રઃ૩૦ કલાકની આસપાસ જ્યાં લોકો એકઠા થયા હતા ત્યાં અચાનક અફઘાન હવાઈદળના એમ.ડી.-પ૩૦ હેલિકોપ્ટર્સ દ્વારા રોકેટ અને પ૦ કેલિબરવાળી ભારે મશીનગનો દ્વારા હુમલાઓ કરવામાં આવ્યા. સરકારના જણાવ્યા અનુસાર, આ હુમલાઓ દ્વારા તાલિબાની નેતાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા, કે જેમાં કુએત્તા શુરા અને ‘રેડ યુનિટ’ના સભ્યોનો સમાવેશ થાય છે કે જેઓ કથિતરૂપે કુંડુંઝ શહેર પર કબજો મેળવવા માટે લશ્કરી હુમલાની યોજના ઘડવા ગામમાં એકત્ર થયા હતા.
હવાઈ હુમલાના એક દિવસ બાદ સરકારે આપેલા નિવેદનમાં દાવો કરવામાં આવ્યો હતો કે તાલિબાનના ટોચના અફઘાન અને વિદેશી ૧૮ નેતાઓનાં મોત નિપજ્યા છે જ્યારે અન્ય ૧ર લોકો ઘાયલ થયા છે. સરકાર દ્વારા થોડા સમય બાદ યુનાઈટેડ નેશન્સ આસિસ્ટન્સ મિશન ઈન અફઘાનિસ્તાનને (યુએનએએમએ) જણાવવામાં આવ્યું કે, તાલિબાનના રપ સભ્યોનાં મોત નિપજ્યા છે, જ્યારે ૩૧ સભ્યો ઘાયલ થયા છે. યુએનએએમએ દ્વારા કરવામાં આવેલી તપાસ અનુસાર, ૩૮ લોકોનાં મોત નિપજ્યા છે, જેમાં ૩૦ બાળકોનો સમાવેશ થાય છે જ્યારે ૭૧ લોકો ઘાયલ થયા છે, જેમાં પ૧ બાળકોનો સમાવેશ થાય છે.