ઉના, તા.૨૮
ઉના નજીક ભાવનગર હાઇવે રોડ અકસ્માતની ઉપરા ઉપરી બે ઘટનાઓ સર્જાતા એક મહિલા અને એક યુવાનનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજતા આ પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. ભાવનગર રોડ અકસ્માત ઝોન બની ગયો હોય તેમ વારંવાર અકસ્માતમાં અનેક જીંદગી છીનવાતી હોવાની વિગતો મળી રહી છે. આ માર્ગ ઉપર ટ્રાફિક પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવું અતિ જરૂરી બની રહ્યું છે. ઉના નજીક આવેલ ગાંગડા ગામના બસ્ટેશન પાસે બાઇકચાલકને ઉના તરફ આવતા ટ્રક જીજે. ૧૧. ઝેડ. ૩૦૦૯ના ચાલકે પૂર ઝડપે અને ગફલત ભરી રીતે બાઇક નં.જીજે. ૫ એચએફ. ૩૯૧૬ને પાછળથી અડફેટે લેતા બાઇકમાં બેસેલા ફુલુબેન નારણભાઇ સાંખટ ઉ.વ.૫૦ રહે કડિયાળી, તા. જાફરાબાદને ગંભીર ઇજા થતા મહિલાનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજેલ હતું જ્યારે બાઇક ચલાવનાર મહિલાના પુત્ર બાલુભાઇ નારણભાઇ સાંખટને (ઉ.વ.૨૨)ને ગંભીર ઇજા થતા ઉનાની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડેલ છે. જ્યારે અન્ય એક ઘટના એ જ રોડ ઉપર આવેલ યાજપુર ગામ પાસે બનેલ જેમાં બાઇક ઉના તરફ આવતું હતું ત્યારે ટ્રકચાલકે અડફેટે લેતા બાઇક સવાર વિક્રમસિંહ નટુભા રાઠોડ ઉ.વ.૩૦ને ગંભીર ઇજાઓ થતા ઉના હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડે તે પહેલાં તેનું પણ મોત નિપજેલ હતું. મરનાર સાથે રહેલા તેના નાના બાળકને ઇજા થતાં ઉનાની પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડાયેલ છે.