(સંવાદદાતા દ્વારા) ઉના, તા.૨
ઉના-ગીરગઢડામાં શહેરમાં ગુરૂવારે સાંજના ૭ વાગ્યાથી મેઘરાજાએ હેત વરસાવવાનું ચાલુ કરી દીધું હતું, જે આખી રાત વરસાદ વરસ્યા બાદ વહેલી સવાર મનમૂકીને વરસતા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા. ઉના શહેરમાં આનંદ બજાર વિસ્તારમાં તળાવ જેવા દૃશ્ય સર્જાયા હતા. ઉના ગીરગઢડા પંથકમાં ૨થી ૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ઉના-ગીરગઢડા, દેલવાડા, સીલોજ, સામતેર, કાણકબરડા, કાંધી, પડા, ઉમેજ, જામવાળા, થોરડી, ભાખા, ફરેડા, રસુલપરામાં ૪ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો, જ્યારે ગીરગઢડાના જરગલી ગામે ૫ ઇંચ, સૈયદરાજપરા, સનખડા ૨ ઇંચ, કેસરિયા ૩ ઇંચ વરસ્યો હતો. દેલવાડાના શ્યામનગર વિસ્તારમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતા. ગીરગઢડા તાલુકાના સનવાવની શાહી નદીમાં પૂર આવતા લોકો નિહાળવા ઉમટ્યા હતા. આ ઉપરાંત ગીરજંગલની સાંગાવાડી, બાબરિયા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, તેમજ જંગલના સાત જેટલા નેયડામાં પણ પૂર આવતા લોકો જોવા ઉમટ્યા હતા..
ઉનામાં મકાન ધરાશાયી જાનહાનિ ટળી…
ઉના-ગીરગઢડા પર આવેલ એચડીએફસી બેંકના પાછળના ભાગે આવેલ ખાણ વિસ્તારમાં રહેતા નરેશભાઇ ભીખાભાઇ મકવાણાનું કાચુ નળિયાવાળું મકાન આવેલ હોય ગતરાત્રી બાર વાગ્યાની આસપાસ વરસાદ વરસી રહ્યો હતો, ત્યારે અચાનક મકાન પરના નળિયા ધરાશાયી થતાં મકાનની અંદર સૂતા બે યુવાનોને અવાજ આવતા તાત્કાલિક બહાર નીકળી ગયેલા અને થોડીવારમાં તો ધરાશાયી થતાં મકાનમાં ટીવી, પંખા સહિત માલ-સામાનને ભારે નુકસાન થયું હતું, જ્યારે કોઇ જાનહાનિ થયેલ ન હતી અને બેનો આબાદ બચાવ થયો હતો.
ગીરગઢડામાં બે કલાકમાં ૩ ઈંચ વરસાદ ખાબક્યો…
ગીરગઢડા સહિત સમગ્ર ગીરજ ગલ વિસ્તારમાં આજે વહેલી સવારે ૬ વાગ્યાથી ૮ વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. માત્ર બે કલાકમાં ૮૦ મીમી વરસાદ પડતા ગીરગઢડાની રૂપેણ તથા જામવાળાની શિંગવડા નદીમાં ભારે પૂર આવ્યું હતું. ગીરગઢડાથી ફરેડા ગામને જોડતી રૂપેણ નદીના પૂલ પર પાણી પહોંચી ગયું હતું. છેલ્લા ચાર દિવસથી ધીમીધારે વરસતા વરસાદે આજે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.