ઉના, તા.રર
ઊના- નાઘેર પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં ૧ થી ૫ ઇંચ જેટલો મેઘ વરસી જતાં ધરતીપુત્રોના ચહેરા પર ખુશી જોવા મળતી હતી. જ્યારે વાવણી બાદ વરસાદ વરસતા પાકને પણ જીવનદાન મળ્યુ હોવાનુ ધરતીપુત્રો જણાવી રહ્યા છે.
ઊના ગીરગઢડા પંથકમાં બે વાગ્યાની આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયેલ જેમાં ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામમાં મેઘરાજાએ હેત વરસાવતા ૩ કલાકમાં ૪ ઇંચ જેટલો વરસાદ વરસી જતાં ગામ પાણીમય બની ગયેલ હતું. અને ધરતીપુત્રોના ચહેરા પર ખુશી જોવા મળતી હતી. ધોકડવામાં ધોધમાર વરસાદ વરસી જતાં ખેતરો માંથી પાણી બહાર નિકળી ગયા હતા. વ્યાપક વરસાદને પગલે ધોકડવા પ્રાથમિક શાળા, ખોડીયાર નગર, દરબારગઢ શેરી, માળવી શેરી, શાકમાર્કેટ, મેઇન બજાર, વ્યક્તિનગર સોસાયટી વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા. તેમજ રાવલનદીનાં પુલ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વખત આવ્યો હતો. તે સીવાય ગીરગઢડા તાલુકાના સનવાવ તેમજ ખિલાવડમાં પણ ૨ કલાકમાં ૨ ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસી જતાં વાવણી બાદ પાકને જરૂરી સમયે પાણી મળી જતાં પાકને જીવતદાન મળી ગયેલ. જ્યારે ગીરગઢડામાં ૧ ઇંચ કરેણીમાં ૧ ઇંચ, જામવાળા, થોરડી, ભાખા, ફાટસર, જુડવડલી, જરગલીમાં હળવાથી મધ્યમ વરસાદ વરસેલ હતો. જ્યારે જંગલ વિસ્તારમાં પણ વાદળ છાયા વાતાવરણ વચ્ચે મધ્યમ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ જાણવા મળી રહ્યા છે. તેમજ ગીરજંગલની મધ્યે આવેલ મચ્છુન્દ્રી તેમજ રાવલ ડેમ પર પણ અર્ધો ઇંચ વરસાદ વરસી ગયેલ. જ્યારે ઊના શહેરમાં દિવસભર અસહ્ય ગરમી વચ્ચે સાંજે ૫.૩૦ વાગ્યે હળવુ ઝાપટુ વરસી જતાં લોકોમાં નિરાશા વ્યાપી ગયેલ હતી.