માછીમાર પરિવારમાં શોકની લાગણી ઉના, તા.૧ર
ઉના તાલુકાના દેલવાડા ગામના વાડી વિસ્તારમાં રહેતા ગોવિંદભાઈ હામાભાઈ સોલંકી નામના માછીમાર પોરબંદર ઓખા વચ્ચે દરિયાઈ માછીમારી કરતા હતાં એ વખતે તા.ર૬-૧-ર૦૧૭ના રોજ પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા માછીમારોને પકડી લેવાતા તેને પાકિસ્તાન ખાતે આવેલી મલીન જેલમાં રાખવામાં આવેલ જેને તા.૧૪-૯-ર૦૧૭ના રોજ હૃદય રોગનો હુમલો આવતાં જેલમાંથી સારવાર માટે લઈ જવાયેલ અને ત્યાં તેનું મૃત્યુ થતા તેની જાણ પાકિસ્તાન કમિશનર દ્વારા ભારત સરકારને કરાતા મત્સ્યદ્યોગ કમિશનર કચેરી દ્વારા આ માછીમારના મૃત્યુ અંગેની જાણ તેમના માદરે વતન દેલવાડા ગામે થતાં માછીમાર પરિવારમાં શોકની લાગણી ફેલાયેલી હતી.
પાકિસ્તાન જેલમાં મૃત્યુ પામેલા ગોવિંદભાઈ હામાભાઈ સોલંકીનો મૃતદેહ એક માસ બાદ ભારત સરકારના મત્સ્યોદ્યોગ વિભાગને સોંપવામાં આવતા પાકિસ્તાનથી વાયા દુબઈ થઈ અમદાવાદ આવતા વેરાવળ મત્સ્યોદ્યોગ અધિકારી પંડ્યા સહિતના સ્ટાફે મૃતદેહને મરનાર માછીમારના વતન દેલવાડા ખાતે લાવતા અને તેની જાણ માછીમાર પરિવારને થતા મરનારના સગા સંબંધી અને કોળી સમાજના અગ્રણીઓ દેલવાડા ગામે દેાડી આવતા આ માછીમારનો મૃતદેહ જોતા સમગ્ર પરિવાર હિબકે ચડેલ અને શોકમય વાતાવરણ સર્જાયેલ હતું. મૃતદેહ આવતા ઉનાના પૂર્વધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ચારણીયા અને નગરપાલિકાના સભ્ય રાજુભાઈ ડાભી સહિતના કોળી સમાજના અગ્રણી આ મૃતકને શ્રદ્ધાંજલી આપેલ હતી. ઉના તાલુકાના છેલ્લા પાંચ વર્ષમાં ૧૧ જેટલા માછીમારોના મૃત્યુ જેલમાં થયેલ હોય અને તેમના મૃત્યુ બાદ કોઈને સહાય મળેલ ન હોય પરંતુ આ તમામ મૃતક પરિવારોને સરકાર તરફથી ચાર લાખની સહાય મંજૂર કરાયેલ હોય તેની તમામની યાદી મત્સ્યોદ્યોગ કચેરીમાં આવી ગયેલ હોય અને ટૂંક સમયમાં સહાય ચૂકવવાની કાર્યવાહી હાથ ધરાશે તેવું વેરાવળ ફીસરીઝ અધિકારી પંડ્યાએ જણાવેલ હતું