ઉના, તા.પ
સૌરાષ્ટ્રમાં ઓખી ચક્રવાત નામનું વાવાઝોડું ફુંકાવાની ચેતવણી આપતા ઉના તાલુકાના સૈયદ રાજપરા બંદરેથી ટંડેલ સહિત આઠ ખલાસી સાથે ફિસીંગમાં ગયેલી બોટને પરત બોલાવતા દરિયામાંથી આવતી હતી અને સૈયદ રાજપરાના બંદર કાંઠા પર આવતા બોટ ડૂબી જતાં તેમાં રહેલ ટંડેલ સહિત આઠ ખલાસીઓનો બચાવ થયો છે તેમજ બોટનો ભૂક્કો થઈ જતાં ભારે નુકસાની થવા પામેલ છે. આજથી ત્રણ દિવસ પહેલાં ઉનાના સૈયદ રાજપરા બંદર પરથી દરિયામાં ફિસીંગ કરવા ગયેલી બાબુભાઈ પૂંજાભાઈ બાંભણિયાની રામપ્રસાદ નામની બોટ માછીમારી કરવા ગયેલ જેમાં ટંડેલ મનુભાઈ ભીમાભાઈ બાંભણિયા સહિત આઠ ખલાસીઓ ગયેલ હતા અને ઓખી વાવાઝોડાને પગલે માછીમારોમાં ભય જોવા મળતા આ બોટમાં બેઠેલા ખલાસી મોહનભાઈ લાખાભાઈ રાઠોડ સહિત આઠ ખલાસી બોટને કિનારા નજીક પરત વાઈલન્સમાં મેસેજ મળતા આવી રહ્યા હતા ત્યાં અચાનક દરિયાના તોફાનના કારણે ઉછળતા મોજાની થપાટ લાગતા બોટની અંદર પાણી ભરાવા લાગતા બોટ ડૂબવા લાગતા ખલાસીઓ કૂદી પડ્યા હતા. પોતાના જીવ બચાવવા દરિયાની ખાડીમાં આ દૃશ્ય નજીકમાં ખાડી પડેલ બોટના અન્ય ખલાસીઓએ નિહાળતા તુરંત જ સાથી ખલાસીઓને બચાવવા દરિયામાં કૂદી પડ્યા હતા અને ટંડેલ સહિતના ખલાસીઓને કલાકોની મહેનત બાદ મહામુસીબતે જીવ બચાવીને કાંઠે સલામત રીતે પરિવાર સામે પહોંચી જતાં તમામ ખલાસીઓએ તેમજ બોટ માલિકે ભગવાનનો ઉપકાર માની હાશકારો અનુભવ્યો હતો.
ઓખી વાવાઝોડાની અસર દરિયાકાંઠા વિસ્તારમાં થવાની સંભાવના
ગુજરાતના દરિયાકિનારા તરફ આગળ વધી રહેલ છે અને આ ઓખી વાવાઝોડાની અસર ઉના તાલુકાના દરિયાકાંઠા વિસ્તારના ગામોમાં થઈ શકે છે તેમજ આવા વાવાઝોડાથી નુકસાન થવાની સંભાવના જોવા મળતી હોય ઉના તાલુકાના કઠાળ વિસ્તારના ગામોના સરપંચ અને ગ્રામજનોને વનવિભાગ દ્વારા વૃક્ષો વનસ્પતિ તેમજ વન્યપ્રાણીની નુકસાની અંગેની ફરિયાદની જાણ કરવા અપીલ કરેલ છે.
દરિયાના મોજા જોઈ હોશ ઊડી ગયા : ટંડેલ મનુભાઈ બાંભણિયા
આ ઘટનાને નજરે નિહાળનાર બોટના ટંડેલ મનુભાઈ બાંભણિયાએ જણાવેલ હતું કે દરિયામાંથી પરત ફરતા હતા અને કાંઠાની નજીક પહોંચવાને થોડીવાર હતી ત્યાં જ દરિયામાંથી જે મોજું બોટ તરફ આવ્યું એ મોજાને જોઈ હોંશ ઊડી ગયા હતા.