(સંવાદદાતા દ્વારા)
ઉના, તા.ર૮
ઉના શહેરમાં થયેલ ભૂગર્ભ ગટરના કારણે મુખ્ય રસ્તાઓ એટલી હદે બિસમાર બની ગયેલ હોવાથી તાલુકા તેમજ શહેરના પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠયા હોય અને આ રસ્તાઓ વહેલી તકે રિપેર કરાવી લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા ધારાસભ્ય વંશ દ્વારા તંત્રને અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં તંત્રના અધિકારીઓ દ્વારા રસ્તાઓ રિપેર ન થતાં આજે સવારે ૧૧ વાગ્યાની આસપાસ ઉનાના ધારાસભ્ય પૂંજાભાઇ વંશ, સહિતના કોંગ્રેસનાં આગેવાનો સરપંચો તાલુકા પંચાયતનાં સભ્યો સહિત અંદાજે ૫૦ જેટલા આગેવાનો એસ.ટી.બસ સ્ટેશન પાસે એક ખાડા નજીક બેસી જતા શહેરના મુખ્ય વાહન વ્યવહાર ઠપ થઇ ગયેલ અને લોકો પણ રસ્તાનાં ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા હોવાથી રસ્તા પર ઉતરી પડ્યા હતા. અને વાહનવ્યવહારની રસ્તાઓ પર કતારો લાગી જતા ઉના પી.આઇ. એલ.કે.જેઠવા, પીએસઆઇ ચુડાસમા નવાબંદર પીએસઆઇ પઢેરીયા સહિતનો મોટો પોલીસ કાફલો એસ.ટી.બસ સ્ટેશન પાસે પહોંચી ગયેલ અને ધારાસભ્ય વંશને પોલીસ અધિકારીએ જણાવેલ કે રસ્તા બાબતે પ્રાંત કચેરીએ જઇ તમારી રજૂઆત જણાવો આટલું જ કહેતા ધારાસભ્ય વંશે સ્પષ્ટ શબ્દોમાં જણાવેલ કે સાહેબ રજૂઆત કરી કરીને થાકી ગયો અને હું રસ્તા પર બેસ્યો છું એ તાલુકાની પ્રજા માટે બેસ્યો છે માટે પ્રાંત અધિકારી, મામલતદાર, ચીફ ઓફિસર, પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ ધારાસભ્ય વંશની રજૂઆત સાંભળી હતી. અને આ રસ્તામાં પડતી લોકોની મુશ્કેલીઓની વાત કરી હતી. અને રસ્તો રિપેર કરવા માટે પ્રજાની સામે લેખિત ખાતરી આપવાની માગણી કરી હતી. બાદમાં અધિકારીઓએ પણ રસ્તાનું કામ કરાવી આપવાની લેખિતમાં ખાતરી આપી હતી. ધારાસભ્ય વંશે આગામી બે દિવસ આ રસ્તાઓની યોગ્ય મરામત નહી કરવામાં આવે તો ઉગ્ર કાર્યક્રમ આપવાની ચીમકી ઉચ્ચારી હતી.