ઉના, તા. ર૧
ઉના નજીક આવેલ તડ ચેક પોસ્ટ પાસે વાહન ચેકીંગ વેળા દિવથી તડ તરફ આવતી મારૂતિ બ્રેજા ગાડીને અટકાવી તલાસી લેતા તેમાં બેઠેલા જામનગરના ૫ શખ્સોની તલાસી લેતા બે પિસ્તોલ અને ૭ જીવતા કાર્ટીસ મળી આવતા પોલીસે તમામ શખ્સોની અટક કરી પૂછપરછ કરતાં ઇકબાલ ઉર્ફે બાઠીયો અને વસીમ ઇકબાલ ખફી જામનગર પોલીસ ચોપડે ચડેલા ૩૦૭ ના ગુનામાં સંડોવાયેલ અને નાસ્તા ફરતા હોવાનું ખુલવા પામેલ છે.
નવાબંદર મરીન પો.સ્ટેના પીએસઆઇ સમીર મંધરા તેમજ સ્ટાફ સહિતનો કાફલો વાહન ચેકીંગની કામગીરી કરતો હતો. આ દરમ્યાન મારૂતિ બ્રેજા નં.જી.જે.૧૦ સી.એચ ૫૧૪૪ ગાડીમાં બેસી વણાંકબારા-દીવ તરફથી આવતા આશીફ મહંમદભાઇ ખીરા સુમરા (ઉ.વ.૩૭) રે.ધાંચી કબ્રસ્તાન, ઇકબાલ ઉર્ફે બાઠીયો ઉમર નાયક પઠાણ (ઉ.વ.૪૨) નાગેશ્વર ગોમતીપુર, વસીમ ઇકબાલ ખફી સુમરા (ઉ.વ.૩૬) ખોજાગેઇટ સીલ્વર સોસાયટી, કયુમ હારૂન જુણેજા (ઉ.વ.૩૪) વેવારીયા ધાંચીની ખડકી, ભરતસિંહ લખુભા ઝાલા દરબાર (ઉ.વ.૩૬) ટીબી હોસ્પિટલ રે. બધા જામનગર વાળાની તપાસ કરતા લાયસન્સ વગરની પીસ્તોલ નંગ.૨ જીવતા કાર્ટીસ નંગ.૭ છરી મોબાઇલ નંગ.૮ મળી ગાડી સાથે કુલ રૂા.૫ લાખ ૪૪,૫૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેમની સામે આમર્સ એક્ટ કલમ ૨૫ સી૧ એ તથા જીપીએક્ટ ૧૩૫ મુજબ નવાબંદર મરીન પોલીસમાં ગુનો નોંધેલ છે. પકડાયેલા શખ્સો પૈકી ઇકબાલ ઉર્ફે બાઠીયો ઉમર નાયક પઠાણ જમીન લે-વેચનો ધંધો કરે છે. તેમજ તેની સાથે રહેલ વસીમ ઇકબાલ ખફી ડ્રાઇવીંગ કરતો હોય આ બન્ને સામે જામનગર (પંચ-એ) પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ ૩૦૭ મુજબનો ગુનો નોંધાયેલ હોય આ ગુનામાં નાસ્તા ફરતા હોવાનું પોલીસ સૂત્રએ જણાવેલ છે. નવાબંદર મરીન પોલીસ અધિકારી સમીર મંધરાએ જણાવેલ કે, પકડાયેલા ૫ શખ્સોને સાત દિવસના રીમાન્ડ સાથે કોર્ટમાં રજૂ કરાશે.