(સંવાદદાતા દ્વારા) વેરાવળ, તા.૧૦
ભાવનગર-સોમનાથ ફોરટ્રેક નેશનલ હાઈવે એન.એચ. ૮ ઈ. પ્રોજેક્ટની કામગીરીમાં ઉનાથી કોડિનાર સુધીમાં મેજર મિનરલ્સ લાઈમ સ્ટોનનો ઉપયોગ કરનાર પાસેથી રોયલ્ટી વસૂલ કરવા તથા આ પ્રોજેક્ટ નિર્માણ કામગીરીમાં મેજર મિનરલ્સ લાઈમ સ્ટોનનો ઉપયોગ તાત્કાલિક અટકાવવા અંગે પર્યાવરણ બચાવ સમિતિ દ્વારા ભુસ્તર શાસ્ત્રી સહિતનાને લેખિત રજુઆત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવાની માંગ કરેલ છે.
ગુજરાત રાજ્ય પર્યાવરણ બચાવ સમિતિના પ્રમુખ રજાકભાઈ બલોચ દ્વારા ગીર-સોમનાથ જિલ્લાના ભુસ્તર શાસ્ત્રીને લેખિતમાં ફરિયાદ જણાવેલ કે, ભાવનગર-સોમનાથ ફોરટ્રેક નેશનલ હાઈવે એન.એચ.૮ ઈ. પ્રોજેક્ટની કામગીરીમાં ઉનાથી કોડિનાર સુધીમાં મેજર મિનરલ્સ લાઈમ સ્ટોન ૮ મુખ્ય ખનીજ ૯નો ઉપયોગ કરવામાં આવી રહેલ હોવાનું જણાવેલ છે. ભારત સરકારના માઈન્સ એન્ડ મિનરલ્સ રૂલ્સ ૧૯પ૭ મુજબ લાઈમ સ્ટોનને મુખ્ય ખનીજ તરીકે જાહેર કરવામાં આવેલ છે તેમ છતાં ભાવનગર-સોમનાથ ફોરટ્રેક નેશનલ હાઈવે એન.એચ.૮ ઈ.પ્રોજેક્ટની કામગીરીમાં ઉનાથી કોડીનાર સુધીમાં કોન્ટ્રાક્ટર દ્વારા સ્થાનિક ખાણ અને ખનીજ વિભાગની કોઈપણ પ્રકારની પરવાનગી વિના તથા રોયલ્ટી ભર્યા વિના લાખો મેટ્રિક ટન લાઈમ સ્ટોન ખનીજનો આ પ્રોજેક્ટ નિર્માણમાં ઉપયોગ કરવામાં આવી રહેલ છે અને તેના કારણે સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થયેલ છે. આ બાબતે તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે પોલીસ ફરિયાદ સાથે દંડ વસૂલ કરવામાં આવે તેવી માંગ કરેલ છે.