અમદાવાદ, તા.૧૦
ગુજરાતમાં દલિતો ઉપર અત્યાચારના સૌથી ચકચારી ઉનાકાંડના પીડિત પરિવારે હવે હિંદુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવવાનો નિર્ણય કર્યો છે. હિંદુ ધર્મમાં સ્વમાનભેર જીવન જીવી શકતા ન હોવાનો દાવો કરી એક પીડિત પરિવાર ધર્મ બદલશે ત્યારે ઉનાકાંડ બાદ હવે ઉનાકાંડના પીડિતના ધર્મ બદલવાનો મામલો બહાર આવતા ફરી એકવાર ઉનાકાંડનો મામલો ચર્ચાની ચકડોળે ચડ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ ચકચારી ઉનાકાંડને દોઢ વર્ષથી વધુ સમય થવા આવ્યો છે ત્યારે આ ઘટનામાં પીડિત પરિવારે હિન્દુ ધર્મ છોડવાનો નિર્ણય કર્યો છે. ઉનાકાંડના પીડિત ચારમાંથી એક એવા વશરામભાઈ સરવૈયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમના પરિવારના સભ્યોએ હિંદુ ધર્મ છોડવાનો નિર્ણય કર્યો છે. તેની પાછળ તેઓની સાથે જાતિવાદના લીધે ભેદભાવ કરવામાં આવે છે. એટલે તેઓ માનભેર જીવન જીવી શકતા નથી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે મૃત ઢોરના ચામડા ઉતારવાના અમારા પેઢીઓ જૂના વ્યવસાય માટે અમારા ઉપર જે જુલ્મ અને અત્યાચાર કરવામાં આવ્યો તેના કારણે અમને હિન્દુ ધર્મ છોડી દેવાનો વિચાર આવ્યો. હવે અમારો પરિવાર માની ગયો છે કે અમે બૌદ્ધ ધર્મ જ અપનાવી લઈએ. જેમાં જાતિના આધારે કોઈ ઊંચનીચના ભેદભાવ કરવામાં આવતા નથી. ભલે હિન્દુ તરીકે જન્મ્યા પરંતુ મૃત્યુ હિન્દુ તરીકે નહીં પામીએ. બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરે પણ બૌદ્ધ ધર્મ અપનાવી લીધો હતો. આમ ઉનાકાંડના એક પીડિત પરિવારે હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવવાની વાત કરી છે. જો કે તા.૧૪ એપ્રિલે બાબાસાહેબ આંબેડકરના જન્મદિવસે જ આ પીડિત પરિવાર બૌદ્ધ ધર્મ અપનાવે તેવી શક્યતા સેવાઈ રહી છે.