ઉના, તા.ર
ઉનાકાંડ વખતે નિર્દોષ દલિતો પર થયેલા પોલીસ કેસો પાટીદારોની જેમ પાછા ખેંચવા સોશિયલ યુનિટી એન્ડ અવેરનેસ ફોરમ-ઉના દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને આવેદનપત્ર પાઠવી માગણી કરી છે.
આ રજૂઆતમાં જણાવાયું છે કે ગત તારીખ તા.૧૧/૭/૧૬ના દિવસે ગીરસોમનાથ જિલ્લાના ઉના ખાતે અનુસૂચિત જાતિના નિર્દોષ લોકો પર મરેલી ગાયનું ચામડું ઉખેડવાના પ્રકરણમાં મનુવાદી માનસિકતા ધરાવતા કેટલાક જાતિવાદ લોકો દ્વારા અમાનવીય અત્યાચાર ગુજારવામાં આવેલ હતો. જેના પગલે દેશભરના અનુસૂચિત જાતિના કરોડો લોકોએ રસ્તાઓ પર આવી જાતિવાદી વ્યવસ્થા અને અમાનવીય અત્યાચાર સામે ઠેર-ઠેર આંદોલન કરેલ હતા. આ જનઆક્રોશ સ્વયંભૂ હતો. આ આંદોલનની પાછળ કોઈપણ રાજકીય પાર્ટી કે સંગઠન નહોતું. આ આંદોલન અનુસૂચિત જાતિના લોકોની અસ્મિતાનું આંદોલન હતું અને આમાં જોડાવા માટે કોઈ વ્યક્તિને હાકલ કરવાની જરૂર નહોતી પડી, લોકો સ્વયંભૂ પોતાના ખર્ચે પોતાની રીતે જ આ આંદોલન તથા વિરોધ પ્રદર્શનોમાં જોડાયા હતા. આ આંદોલન કોઈ ચોક્કસ સરકાર, પાર્ટી કે સંગઠન સામેનું આંદોલન નહોતું. આ આંદોલન અસમાનતા સામે સમાનતાનું, અન્યાય સામે ન્યાયનું અને ગુલામી સામે આઝાદીનું આંદોલન હતું.
દેશભરમાં થયેલા આંદોલન દરમ્યાન ગુજરાતમાં પણ ઠેર ઠેર પ્રદર્શનો અને દેખાવો થયા હતા. પ્રદર્શનો અને દેખાવ દરમ્યાન ઘણી જગ્યાએ આંદોલનકારીઓ તથા પોલીસ વચ્ચે નાના મોટા સંઘર્ષો પણ થયા હતા. આ આંદોલન વખતે ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆર મુજબ ઘણા બધા નિર્દોષ લોકોને અન્યાય સામે અવાજ ઉઠાવવાના જુર્મમાં જેલમાં જવું પડ્યું જેથી ઘણા યુવાનોની કારકિર્દી ખતમ થઈ ગઈ છે.
અનુસૂચિત જાતિના લોકો પર થયેલા અમાનવીય અત્યચારના વિરોધમાં થયેલા આંદોલન દરમ્યાન નિર્દોષ દલિતો પર નોંધવામાં આવેલા ખોટા પોલીસ કેસોમાં ઘણા બધા યુવાનો હજુ સુધી જેલમાં સડે છે. કેટલાય લોકોએ પોતાની કારકિર્દી ખતમ થવાના ભયથી આત્મહત્યાનો પણ પ્રયાસ કરેલો છે. દલિત અસ્મિતાના આંદોલન દરમ્યાન પુરૂષો તો ઠીક પણ ગર્ભવતી મહિલાઓ ઉપર પણ ખોટા પોલીસ કેસો નોંધવામાં આવ્યા છે જે આપણા સૌ માટે સૌથી મોટી શરમની વાત છે.
ગુજરાત સરકારના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા ગત તારીખ ૩૧/૦૭/૧૬ના રોજ પાટીદાર અનામત આંદોલન દરમ્યાન વિરોધ પ્રદર્શન અને દેખાવો કરનારા પરદર્શનકારીઓ પરના ૯૦ ટકા કેસો પરત ખેંચી લેવામાં આવ્યા હતા. તેમજ હમણા હમણા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમના કેબિનેટ દ્વારા લીધેલા નિર્ણય મુજબ પાટીદાર અનામત આંદોલનના પ્રદર્શન કારીઓ વિરૂદ્ધના બાકીના તમામ પોલીસ કેસો પરત ખેંચી લેવામાં આવ્યા છે.
પરંતુ સવાલ એ છે કે જો ગુજરાત સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલનકારીઓ વિરૂદ્ધના તમામ કેસો પરત ખેંચાઈ શકતા હોય તો અનુસૂચિત જાતિના લોકો પર થયેલા અમાનવીય અત્યાચારના વિરોધમાં ન્યાય માટે વલખાં મારતા નિર્દોષ દલિતો સામેના કેસો કેમ નહીં ?