હાલ કેરીની સિઝન દેશભરમાં પૂરબહારમાં ખીલી છે ત્યારે એ યાદ કરી લઈ એ કે થોડા મહિનાઓ પૂર્વે યુ.પી.ના કાતરા ગામે બે દલિત કિશોરીઓ સાથે દુષ્કર્મ આચરી તેમના મૃતદેહોને આંબા પર લટકાવી દેવાયા હતા. પોતાના પાશવી કૃત્ય પર સંતાપ કરવાને બદલે અપરાધીઓએ કિશોરીઓના મૃતદેહોને આંબા પર લટકાવી દીધા. આવા ધિક્કારપાત્ર કૃત્યના સાક્ષી બનેલા આંબાની મનોદશા શું હશે ? ચોક્કસપણે પીડાથી આંબાના આંસું વહ્યા હશે તથા ભારહીન અને પ્રાણરહિત દેહોના ભારથી આંબાની  ડાળીઓને દુઃખાવો થતો હશે. આંબાના છાંયડા નીચે રમવાના બદલે તેમના મૃતદેહો ડાળીઓ પર લોલકની જેમ ઝૂલતા હતા જે આપણને યાદ અપાવે છે કે દલિતો વિરૂદ્ધ થતાં અત્યાચારનો અંત આણવાનો સમય કયારનોય પાકી ગયો છે.

પુરાણકાળથી ચાલી આવતી જાતિ વ્યવસ્થાનો અંત આવવો જોઈએ અને આપણા મનમાનસમાંથી ‘દલિત’ શબ્દ દૂર કરી દઈને તેમને સમાન ગૌરવ અને સન્માન આપો. જો તેઓ ગરીબીમાં જન્મ્યા હોય તો તેમાં તેમનો શું વાંક છે ? તેઓ જે કામ કરે છે તે તેમની પસંદગીથી નથી કરતાં….એ સૌથી મોટો આડંબર છે કે તેમને મજૂરી તરીકે મંદિરમાં પ્રવેશવાની મંજૂરી અપાય છે પરંતુ પૂજા કરવા માટે નહીં. તેઓ આપણા શૌચાલયોની સફાઈ કરે છે પરંતુ તેમના ઘરોમાં જ શૌચાલય નથી અને જ્યારે તેઓ શૌચક્રિયા માટે ખેતરોમાં જાય છે ત્યારે તેમના પર અત્યાચાર ગુજારાય છે.

આપણે દયા સાથે આ અસ્પૃશ્યોને સ્પર્શ કરવા તથા તેમને તે સમજાવવા માટે આગળ આવવાની જરૂર છે કે તેઓ કોઈના કરતાં નીચલા દરજ્જાના નથી. આપણે તેમને ગૌરવભેર જીવતા શીખવવાની જરૂર છે.

લખનૌના કાકોરી જિલ્લાના દશેહરી ગામમાં આવેલા ખેતરની આ તસવીર છે જ્યાં વર્ષો પુરાણો આંબો હજુ પણ અડીખમ ઊભો છે. અહીં દિવસે બાળકોની કિલકારીઓ સાથે  વાતાવરણ ઉલ્લાસમય  બની જાય છે પરંતુ રાત્રે ઘટતી ઘટનાઓનો સાક્ષી ફક્ત આ આંબો જ છે.