(એજન્સી) બેઇજિંગ, તા. ૧૪
જૈશે મોહંમદના પ્રમુખ મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાના પ્રયાસને ટેકનિકલ રીતે રોકવા અંગે ચીને કહ્યું કે, આ અંગે અભ્યાસ કરવા માટે વધુ સમય જોઇએ છે પરંતુ ભારત સાથે સારા સંબંધો બનાવવા માટે તે ગંભીર છે. આ પહેલા ચીને પુલવામા હુમલાની જવાબદારી લેનાર આતંકવાદ સંગઠન જૈશે મોહંમદના વડા મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવના પગલાને અવરોધ્યો હતો. અમેરિકા, ફ્રાન્સ અને યુકે દ્વારા કરાયેલી પહેલને રોકવાના કારણ અંગે પુછાતા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લુ કાંગે કહ્યું કે, ચીન હંમેશા સંયુક્ત રાષ્ટ્રની કમિટિની અરજીઓની ગૂઢ અને ઊંડી તપાસ કરે છે. અને આ માટે અમારે વધુ સમય જોઇએ છે. તેથી અમે આ અંગે ટેકનિકલ રોક લગાવી છે. લુ કાંગે કહ્યું કે, ચીનનો નિર્ણય સમિતિના નિયમો અનુસાર છે. તેમણે કહ્યું કે, અમને પુરી આશા છે કે, સમિતી દ્વારા કરાયેલા કાર્યવાહી પ્રાસંગિક દેશોને વાતચીત તથા મંત્રણામાં સામેલ કરવા તથા ક્ષેત્રીય શાંતિ તથા સ્થિરતામાં વધુ જટિલ કારકોને જોડવામાં મદદ કરશે. ચીને હંમેશા દરેક બાજુએથી રચનાત્મક અને જવાબદાર વલણ અપનાવાનું ચાલુ રાખે છે જેનાથી મુદ્દાને યોગ્ય રીતે ઉકેલી શકાય. ભારત-ચીન કરારો વિશે પુછતા તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ ગત વર્ષે ચાર વખત મળી ચૂક્યા છે જેમાં ખાસ કરીને વુહાન શિખર મંત્રણાએ સારી પ્રગતિ સાધી છે. દ્વિપક્ષીય સંબંધોમાં જોરદાર પ્રગતિ માટે અમારા નેતાઓ ભારત સાથે કામ કરવા માટે ગંભીર છે. ટેકનિકલ રોક લગાવવા અંગે અમે આ મુદ્દે યોગ્ય ઉકેલ લાવવા ચર્ચા અને મંત્રણા માટે વધુ સમય બંને તરફે મળી રહે તે માટે આ બાબતનો અભ્યાસ કરવા માગીએ છીએ.