વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં અહમદાવાદ શહેરનો સમાવેશ કરવો કે કેમ ! તે ચકાસવા યુનેસ્કોની ટીમ અહમદાવાદ શહેરમાં આવી પહોંચી છે. બુધવારે વહેલી સવારે ભદ્ર કિલ્લાની મુલાકાત બાદ ત્યાં આવેલી પુરાતત્ત્વ વિભાગની ઓફિસમાં જઈ જરૂરી વિગતોની ચકાસણી કરી હતી. ત્યારબાદ ઉસ્માનપુરા ખાતે આવેલી પશ્ચિમ ઝોનની ઝોનલ કચેરીની મુલાકાત લઈ લાલદરવાજા આવી હતી. જ્યાં અહમદઆબાદ શહેરના સ્થાપક સુલતાન અહમદશાહ બાદશાહ (રહમતુલ્લાહ અલયહે) સૌપ્રથમ નિર્માણ કરેલી ઐતિહાસિક જૂની જુમ્મા મસ્જિદની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. યુનેસ્કોની ટીમ સરપ્રાઈઝ ચેકિંગ કરતી હોવાથી ક્યારે કંઈ ઈમારતનું નિરીક્ષણ કરશે તેનાથી મ્યુનિ. અધિકારીઓ પણ અજાણ હતા.