(એજન્સી) લખનૌ, તા.૮
બહુચર્ચિત ઉન્નાવ દુષ્કર્મ કાંડમાં આરોપી ભાજપા વિધાયક કુલદીપસિંહને સીબીઆઈ મંગળવારે સવારે ઉન્નાવથી સીતાપુર જેલમાં લઈ ગઈ. ધારાસભ્ય ૧૦ દિવસ સુધી ઉન્નાવ જેલમાં રહ્યા. મીડિયાની નજરોથી બચાવીને ધારાસભ્યને સવારે જ બીજી જેલમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા. આ દરમિયાન જેલની પાસે પણ મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરી દેવામાં આવ્યું હતું. સીબીઆઈએ ગત મહિને ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરની વિરૂદ્ધ દુષ્કર્મનો કેસ દાખલ કર્યો હતો. હાઈકોર્ટના આદેશ પર સીબીઆઈ ચાર કેસોમાં રિપોર્ટ દાખલ કરીને તપાસ કરી રહી છે. આ કેસોમાં પીડિતાના પિતાની હત્યાનો કેસ પણ સામેલ છે. બે મેના રોજ સીબીઆઈએ સ્ટેટસ રિપોર્ટ હાઈકોર્ટમાં દાખલ કર્યો ત્યારે પીડિતાની માતા તરફથી ફરિયાદ કરવામાં આવી હતી કે ધારાસભ્ય કુલદીપ સેંગરને ઉન્નાવની જેલમાં જ રાખવામાં આવ્યા છે. અહીંયા ધારાસભ્યનું ઘર છે. એવામાં જેલમાં તેમને શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહી છે અને તેઓ કેસને પ્રભાવિત કરી શકે છે. હાઈકોર્ટે સેંગરને અહીંયાથી બીજી જેલમાં શિફટ કરાવવા માટે સીબીઆઈને એક સપ્તાહની મુદ્દત આપી હતી. મંગળવારે ૬ દિવસ પૂરા થઈ રહ્યા હતા એવામાં સીબીઆઈ પાસે માત્ર એક દિવસનો સમય બચ્યો હતો. સીબીઆઈએ પરોઢિયે ચુસ્ત સુરક્ષાની વચ્ચે ધારાસભ્યને સીતાપુર જેલમાં પહોંચાડી દીધા.