(એજન્સી) નવી દિલ્હી, તા.૨
ઉન્નાવ કેસમાં આજે સતત બીજા દિવસે સુનાવણી હાથ ધરી સુપ્રીમ કોર્ટે ગેંગરેપ પીડિતાની લખનૌ હોસ્પિટલમાં જ સારવાર યથાવત્‌ રાખવાની વાત કરી છે. સુપ્રીમ કોર્ટે હાલ પીડિતાને દિલ્હી એમ્સમાં ટ્રાન્સફર કરવાને લઈને કોઈ જ આદેશ આપ્યો નથી.
સુપ્રીમ કોર્ટે આ મામલે કહ્યું હતું કે, હાલ પીડિતાની સારવાર લખનૌમાં જ થશે, જો જરૂર પડશે તો પીડિતા તરફથી રજિસ્ટ્રી આવીને ટ્રાન્સફર માટે કહી શકે છે. જેથી એક બાબત સ્પષ્ટ થઈ ગઈ છે કે, પીડિતાને એરલિફ્ટ કરીને દિલ્હી નહીં લાવવામાં આવે. પીડિતાની કારને ટક્કર મારનાર ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરના રિમાન્ડ લઈને સીબીઆઈ પૂછપરછ કરશે.
પીડિતાની માતાએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, તે પોતાની દીકરીની સારવાર લખનૌની કિંગ જ્યોર્જ મેડિકલ કોલેજમાં જ યથાવત્‌ રાખવા માગે છે. તે સારવાર માટે દિલ્હી શિફ્ટ નથી કરવા માંગતા. સાથે જ કોર્ટે આદેશ આપ્યો હતો કે સુરક્ષાને ધ્યાનમાં રાખતા પીડિતાના કાકાને રાયબરેલીથી દિલ્હી તિહાર જેલમાં તત્કાલ શિફ્ટ કરવામાં આવે.
સુપ્રીમ કોર્ટે ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાને પીડિતાની ઓળખ છૂપાવવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે, ઉન્નાવ કેસનું રિપોર્ટિંગ કરતી વખતે મીડિયાએ એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે પીડિતાની ઓળખ કોઈ પણ ભોગે જાહેર ના થાય. આ મામલે આગામી સુનાવણી આગામી સોમવારે હાથ ધરવામાં આવશે.
દરમિયાનમાં બળાત્કાર પીડિતાની સ્થિતિ બાબત હોસ્પિટલે જણાવ્યું છે કે, પીડિતાની હાલત ગંભીર છે, પણ સ્થિર છે. હજી પણ એ વેન્ટીલેટર ઉપર છે. જ્યારે એમના વકીલને વેન્ટીલેટરથી હટાવી લેવાયું છે.