(એજન્સી) નવી દિલ્હી, તા.રપ
સુપ્રીમ કોર્ટે સીબીઆઈને ઉન્નાવ બળાત્કાર પીડિતાની કાર સાથે થયેલ અકસ્માતની તપાસ કરવા વધુ ૧પ દિવસનો સમય આપ્યો છે. બે મહિના અગાઉ પીડિતાની કારને ટ્રક સાથે અકસ્માત થયું હતું. એજન્સીએ કોર્ટને વધુ સમય આપવા વિનંતી કરી હતી. એજન્સીએ જણાવ્યું હતું કે અકસ્માતમાં ઘવાયેલ વકીલનું નિવેદન લેવાનું હજી બાકી છે. પીડિતાનો વકીલ હજી પણ બેભાન છે. સુપ્રીમ કોર્ટે સીબીઆઈની વિનંતી માન્ય રાખી આગામી સુનાવણી ઓક્ટોબરમાં રાખી છે. ર૮મી જુલાઈએ પીડિતા પોતાના કુટુંબીજનો અને વકીલ સાથે બરેલીની ડિસ્ટ્રીકટ કોર્ટમાં જઈ રહી હતી. દરમ્યાનમાં ટ્રક દ્વારા ગંભીર અકસ્માત થતા પીડિતાની કાકી જે મુખ્ય સાક્ષી પણ હતા એમનું મૃત્યુ થયું હતું. પીડિતા અને એમના કુટુંબીજનોએ આક્ષેપો મૂક્યા હતા કે અકસ્માત પાછળ મુખ્ય આરોપી કુલદીપ સેંગરનો હાથ છે.
પીડિતાની સારવાર દિલ્હીની એઈમ્સમાં થઈ રહી હતી. આજે એમને રજા આપવામાં આવી હતી. એ પોતાના કુટુંબ સાથે હાલ દિલ્હીમાં જ રહેશે. સુપ્રીમ કોર્ટે સુરક્ષાના કારણે એમને દિલ્હીમાં રોકાવા કહ્યું હતું.