(એજન્સી) લખનઉ, તા. ૨૯
ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે સોમવારે કહ્યું હતું કે, જો દુષ્કર્મ પીડિતા ઇચ્છે તો તેમની સરકાર રાયબરેલી કેસમાં સીબીઆઇ તપાસ કરાવવા માટે તૈયાર છે. આ એક્સિડેન્ટમાં બે લોકોનાં મોત થયા હતા જ્યારે પીડિતા તથા તેના વકીલ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પીડિતા અને તેનો વકીલ મહેન્દ્રસિંહ રવિવારે એક્સિડેન્ટ થયા બાદ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર છે. ટ્રકના માલિક દેવેન્દ્ર સિંહ અને તેના ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન દુર્ઘટના મામલે ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર, તેનો ભાઇ અને આઠ અન્ય વિરૂદ્ધ હત્યા તથા હત્યાના ષડયંત્રનો કેસ દાખલ કરાયો છે. ફરિયાદમાં ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર ઉપરાંત તેના ભાઇ મનોજકુમાર સેંગરનું નામ પણ છે. ફરિયાદમાં ૧૦ લોકોના નામ નોંધાયા છે જ્યારે ૧૫-૨૦ લોકો અજાણ્યા હોવનો ઉલ્લેખ છે. ઉન્નાવ રેપ પીડિતાના કાકાએ રાયબરેલીમાં આ ફરિયાદ દાખલ કરાવી હતી.
આ ઘટના અંગે પીડિતાની માતાએ કહ્યું હતું કે, અમને જાણવા મળ્યું છે કે, એક્સિડેન્ટમાં ધારાસભ્યના લોકો જવાબદાર છે. આ લોકો પાછલા ઘણા દિવસોથી ધમકીઓ આપી રહ્યા હતા. જ્યારે અમે કોર્ટમાં જતા હતા ત્યારે તેઓ કહેતા હતા કે, તેઓ ભલે જેલમાં છે પણ તેમના માણસો બહાર છે. તે જેલમાં મોબાઇલનો ઉપયોગ કરતો હતો હવે અમને ન્યાય જોઇએ છે. રાયબરેલીમાં રવિવારે એક બેકાબૂ બનેલા ટ્રકે એક કારને ટક્કર મારી હતી જેમાં ઉન્નાવ દુષ્કર્મ કેસની પીડિતા યુવતી, તેના સગા અને વકીલ બેઠા હતા. આ ઘટનામાં બે લોકોનાં મોત થયા હતા જ્યારે પીડિતા અને તેના વકીલ ગંભીર રીતે ઘાયલ થયા હતા. દુષ્કર્મ કેસમાં આરોપી ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગરની પાછલા વર્ષે ૧૩મી એપ્રિલે ધરપકડ કરી લેવાઇ હતી. ઉન્નાવના પોલીસ અધિક્ષક માધવપ્રસાદ વર્માએ જણાવ્યું હતું કે, યુવતી અને તેના બે સગા પોતાના વકીલ સાથે રાયબરેલી જેલમાં રહેલા તેના કાકાને મળવા માટે જઇ રહ્યા હતા. ઘટના બાદ પીડિતાના નજીકના સગાનું જિલ્લા હોસ્પિટલમાં જ મોત નીપજ્યું હતું જ્યારે બીજાને લખનઉ ટ્રોમા સેન્ટરમાં મોકલાયો હતો. લખનઉના એડીજી રાજીવ કૃષ્ણાએ કહ્યું કે, ઘટનામાં બે મહિલાઓના મોત થયા છે. યુવતી અને તેના વકીલનું હાલત ગંભીર છે તથા લખનઉમાં ટ્રોમા સેન્ટરમાં તેમની સારવાર ચાલી રહી છે. તેમણે કહ્યું કે, પીડિતાના પરિવારને સુરક્ષા આપવામાં આવી છે પણ ગનમેન રવિવારે તેની સાથે ન હતો જેની તપાસ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, એક યુવતીએ વર્ષ ૨૦૧૭માં ઉન્નાવના ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. આ ઘટનામાં સેંગરની ધરપકડ કરવામાં આવી હતી. યુવતી દ્વારા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના લખનઉ ખાતેના સરકારી મકાન બહાર આત્મદાહનો પ્રયાસ પણકરાયો હતો ત્યારબા જ આ ઘટના પ્રકાશમાં આવી હતી.

લોકસભામાં ઉન્નાવ બળાત્કાર
પીડિતાના અકસ્માત અંગે
બોલતા અખિલેશ યાદવને
ઓમ બિરલાએ અટકાવ્યા

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૯
સમાજવાદી પક્ષના સભ્ય અને ઉ.પ્ર.ના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે આજે લોકસભામાં ઉન્નાવ બળાત્કાર પીડિતા સાથે થયેલ અકસ્માત મુદ્દે રજૂઆતો કરવા શરૂઆત કરી પણ સ્પીકર ઓમ બિરલાએ એમને અટકાવ્યા હતા, જ્યારે એમના પક્ષના સાંસદ આઝમખાનને માફી માંગવા કહ્યું હતું, એ વખતે અખિલેશ યાદવે ઉન્નાવ પીડિતાનો મુદ્દો ઊઠાવ્યો હતો. યાદવે કહ્યું, આઝમખાનને જે કહેવાનું હતું એ એમણે કહ્યું છે, પણ અમારી ઉન્નાવની દીકરીનું શું ? અમને આ મુદ્દે વાત કરવી જોઈએ. જો કે, સ્પીકર ઓમ બિરલાએ એમને આ મુદ્દે બોલવાની પરવાનગી આપી નહીં. ઉન્નાવની બળાત્કાર પીડિતા, એમના વકીલ અને અન્ય કુટુંબીજનો જ્યારે કારમાં પ્રવાસ કરી રહ્યા હતા, ત્યારે એમની ઉપર ટ્રક ફરી વળતા એમના બે કુટુંબીજનોનાં મોત થયા હતા અને પીડિતા અને વકીલ ગંભીર ઈજાગ્રસ્ત છે. યાદવે આક્ષેપો કર્યા કે, પીડિતાની હત્યાનું આ કાવતરૂં છે. એમણે ભાજપના ધારાસભ્ય કુલદીપ ઉપર આક્ષેપો મૂકયા હતા.

ઉન્નાવ રેપ પીડિતાના પરિવારે કહ્યું, કુલદીપ સેંગરે હુમલો કરાવ્યો, આદિત્યનાથ સરકાર પર પ્રિયંકાની ફટકાર

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૯
ઉન્નાવ રેપ પીડિતાના અકસ્માત બાદ તેના પરિવારે કુલદીપ સેંગરે ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો જ્યારે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરાએ ઉન્નાવ દુષ્કર્મ પીડિતા સાથે થયેલા માર્ગ અકસ્માતને ચોંકાવનારી ઘટના ગણાવતા ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર પર નિશાન સાધ્યું હતું. પ્રિયંકાએ સવાલ કર્યો હતો કે, આખરે ભાજપ સરકાર પાસેથી ન્યાયની શું આશા રાખી શકાય. તેમણે ટિ્‌વટમાં જણાવ્યું હતું કે, ઉન્નાવ દુષ્કર્મ પીડિતા સાથે માર્ગ અકસ્માત ચોંકાવનારો છે. પ્રિયંકાએ સવાલ કર્યો હતો કે, આ કેસમાં ચાલી રહેલી સીબીઆઇ તપાસ ક્યાં સુધી પહોંચી છે ? આરોપી ધારાસભ્ય હજુ સુધી ભાજપમાં કેમ છે ? પીડિતા અને સાક્ષીઓની સુરક્ષામાં ઢિલાશ કેમ આપવામાં આવે છે ? આ સવાલોના જવાબ વિના શું ભાજપ સરકાર પાસેથી ન્યાયની કોઇ આશા રાખી શકાય ખરી ? બીજી તરફ કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે, આદિત્યનાથ સરકાર જવાબ આપે. આ ઉન્નાવ રેપ પીડિત દિકરી સાથે દુર્ઘટના છે કે પછી ષડયંત્ર છે ? જ્યારે રક્ષક જ ભક્ષક બની જશે તો ન્યાય કોણ આપશે ? બળાત્કારના જધન્ય અપરાધની પીડિતા પુત્રી માટે ઉન્નાવ તથા યુપી ન્યાય માગે છે, પણ ન્યાયના સ્થાને તેની સાથે શું થાય છે ? હત્યાનું ષડયંત્ર ? પિતાની પોલીસ હિરાસતમાં હત્યા, પરિવાર ગુમાવ્યું અને હવે જીંદગી સામે જંગ લડી રહી છે !

‘તમારા બળાત્કારનો આરોપી
જો ભાજપનો ધારાસભ્ય હોય તો સવાલ કરશો નહીં’ : રાહુલ ગાંધીનો કટાક્ષ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૯
ઉન્નાવના ચકચારી દુષ્કર્મ કેસની પીડિતાની કારને રવિવારે ટ્રક દ્વારા ટક્કર મારવામાં આવતા કારમાં બેઠેલા બે લોકોનાં મોત થયા છે જ્યારે પીડિતા અને તેના વકીલની હાલત ગંભીર છે. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ઉન્નાવ રેપ પીડિત ગંભીર રીતે ઘાયલ થવાના ઘટના અંગે સોમવારે ભાજપ પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, હાલના સમયમાં જો બળાત્કારનો આરોપી ભાજપનો ધારાસભ્ય હોય તો સવાલ પુછવાની પરવાનગી નથી. રાહુલ ગાંધીએ પોતાના ટિ્‌વટમાં લખ્યું કે, ‘બેટી બચાવો-બેટી પઢાવો, ભારતીય મહિલાઓ માટે એક વિશેષ બૂલેટિન છે. જો ભાજપનો ધારાસભ્ય તમારી સાથેનો બળાત્કારનો આરોપી છે તો સવાલ કરશો નહીં.’

ઉન્નાવ રેપ પીડિતાને મળ્યા બાદ દિલ્હી મહિલા પંચના અધ્યક્ષ સ્વાતિ માલિવાલે કહ્યું, સ્થિતિ નાજુક, બચવાની આશા ઓછી

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૯
દિલ્હી મહિલા પંચના અધ્યક્ષ સ્વાતિ માલિવાલે માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલી ઉન્નાવ ગેંગરેપ પીડિતા સાથે લખનઉના ટ્રોમા સેન્ટરમાં મુલાકાત કરી હતી. ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર સામે રેપનો આરોપ લગાવનારી આ યુવતીની કારનો રવિવારે એક ટ્રક સાથે ગંભીર અકસ્માત થયો હતો જેમાં યુવતીના માસી અને કાકીના મોત થયા હતા. સ્વાતિ માલિવાલે કહ્યું કે, મેં યુવતીસાથે મુલાકાત કરી છે અને તેણે તથા તેના પરિવારે તેની હત્યાનું ષડયંત્ર અંગર્ગત આ દુર્ઘટના કરાઇ હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, યુવતીને ન્યાય અપાવવા માટે લડાઇ લડાશે. દિલ્હી મહિલા પંચના અધ્યક્ષ બંને દર્દીઓને એરલિફ્ટ કરાવવા માગે છે. તેમણે બંને પરિવારજનો સાથે વાત કરી હતી. તેમણે જાહેરાત કરી હતી કે, સારવારનો તમામ ખર્ચ દિલ્હી મહિલા પંચ ઉઠાવશે. સ્વાતિ માલિવાલે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે બળાત્કાર કાંડ પર ધ્યાન આપતા ૧૫ દિવસમાં સેંગરને સજા સંભળાવવી જોઇએ. તેમણે આરોપ લગાવ્યો હતો ભાજપના શાસનમાં સમગ્ર ઉત્તરપ્રદેશમાં ગુંડારાજ ચાલી રહ્યું છે. મુલાકાત અંગે ટિ્‌વટ કરતા સ્વાતિએ લખ્યું કે, મેં ઉન્નાવ પીડિતાના વકીલ અને ડોક્ટરને મળી છું, ડોક્ટરે કહ્યું છે કે, યુવતી અને વકીલની હાલત ગંભીર છે અને બચવાની આશા ઓછી છે. મારા મતે તેમને તરત એરલિફ્ટ કરી દિલ્હી શીફ્ટ કરીને સારી હોસ્પિટલમાં લઇ જવા જોઇએ.પરિવાર પણ આવું જ ઇચ્છે છે. હું હોસ્પિટલ સાથે વાત કરી રહી છું. આ જવાબદારી અમે ઉઠાવીશું.