(એજન્સી) નવી દિલ્હી, તા. ૭
ઉન્નાવમાં ગેંગરેપનો ભોગ બન્યા બાદ આગને હવાલે કરી દેવાયેલી પીડિતા આખરે શુક્રવારે મોડી રાતે મોત સામેનો જંગ હારી ગઇ અને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં આખરી શ્વાસ લીધો હતો. ડોક્ટરોએ જણાવ્યું કે, પીડિતા ૯૫ ટકા બળી ગઇ હતી અને બચાવવા માટે ૪૪ કલાક સતત મહેનત કરી હતી પણ મોડી રાતે તેને હાર્ટ એટેક આવતા તેનુ મોત થયું હતું. બીજી તરફ પીડિતાના પિતાએ દિકરીના મોત બાદ કહ્યું છે કે, આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે. તેમણે કહ્યું કે જે રીતે હૈદરાબાદ કાંડના આરોપીઓને મારવામાં આવ્યા તે જ રીતે અમારી દિકરીના ગુનેગારોને પણ દોડાવી-દોડાવીને મારવા જોઇએ અને પછી ફાંસી આપી દેવી જોઇએ. પડિતાને ગુરૂવારે રાતે લખનઉ ટ્રોમા સેન્ટરમાંથી એરલિફ્ટ કરીને દિલ્હી લવાઇ હતી. તેની સારવાર કરનારા સફદરજંગ હોસ્પિટલના બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરી ડિપાર્ટમેન્ટના હેડ શલભકુમારે જણાવ્યું હતું કે, પીડિતા ૯૫ ટકા સુધી બળી ગઇ હતી. શુક્રવારે સાંજથી જ તેનીહાલત ખરાબ થવાની શરૂ થઇ ગઇ હતી. અમારા શ્રેષ્ઠ પ્રયાસો છતાં તેને બચાવી શકાઇ નહીં. તેને રાતે આશરે ૧૧.૧૦ વાગે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો અને ૧૧.૪૦ વાગે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. ટ્રેન પકડવા માટે ગુરુવારે વહેલી પરોઢે તે બેસવારા બિહાર રેલવે સ્ટેશન તરફ જઈ રહી હતી ત્યારે મૌરામોડ ઉપર ગામના હરીશંકર ત્રિવેદી, કિશોર, શુભમ, શિવમ અને ઉમેશે તેને ઘેરી લીધી હતી અને તેના ઉપર ચાકુ અને લાકડાથી પ્રહાર કર્યા હતા. જમીન પર પડી ગયા બાદ આરોપીઓએ તેના પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. આ સમગ્ર મામલામાં એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પિડિતાએકહ્યુ હતુ કે શિવમ ત્રિવેદી નામના શખ્સે તેને પ્રેમજાળમાં ફસાવી દીધી હતી. ત્યારબાદ રાયબરેલી લઇ જઇને રેપ કર્યો હતો. દરમિયાન દિલ્હી મહિલા પંચના અધ્યક્ષ સ્વાતિ માલિવાલે ઉન્નાવ ગેંગરેપ પીડિતાના મોત અંગે કહ્યું હતું કે, હું ઉત્તરપ્રદેશ સરકાર અને કેન્દ્ર સરકારને અપીલ કરૂં છું કે, આ ઘટનામાં બળાત્કારીઓને એક મહિનાની અંદર ફાંસી આપવામાં આવે. બીજી તરફ એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું કે, વધુ એક માસૂમ જીવનનો ખાતમો થઇ ગયો. ઉન્નાવ પીડિતાના નિધન અંગે સાંભળીને અત્યંત દુઃખ થયુ છે. આપણે એ ખાતરી કરવી પડશે કે તેને ન્યાય મળે. આ સાથે જ અન્ય તમામ રેપ પીડિતોને ન્યાય મળે. ઉન્નાવ રેપ પીડિતાના નિધન અંગે મહિલા કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશ સરકાર ઊંધી ગઇ છે અને વધુ એક દિકરી મોતને ભેટી છે. ઉલ્લેખનીય છે કે, ઉન્નાવના હિંદુનગર ગામમાં જામીન પર છૂટેલા ગેંગરેપના બે આરોપીઓએ ત્રણ સાથીઓ સાથે મળીને સગીરા રેપ પીડિતાને કેરોસીન છાંટી જીવિત સળગાવી નાખવાનો પ્રયાસ કરતા આગને હવાલે કરી હતી. રેપ પીડિતા ગંભીર રીતે બળી ગઇ હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઇ ગઇ હતી. પાંચમી ડિસેમ્બરે રેપ પીડિતા આ કેસની સુનાવણી માટે રાયબરેલી જઇ રહી હતી. આ દરમિયાન જામીન પર છૂટેલા બંને આરોપીઓ રેપ પીડિતાને પકડીને નજીકના ખેતરોમાં લઇ ગયા હતા અને તેના પર કેરોસીન છાંટી આગને હવાલેકરી દીધી હતી. ગંભીર રીતે બળી ગયેલી પીડિતાએ બંને આરોપીઓના નામ સાથે નિવેદન નોંધાવ્યું હતું. બાદમાં પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.

બળાત્કાર થશે, ત્યારે જોઈ લઈશું…

(એજન્સી) તા.૭
ઉન્નાવની હતભાગી બળાત્કાર પીડિતા પોલીસ તંત્રની નિષ્ક્રિયતાના પરિણામે નરાધમોનો શિકાર બની મૃત્યુને ભેટી, ત્યારે આ જ શહેરની એક અન્ય પીડિતાને પણ આ પ્રકારનો જ ભય પરેશાન કરી રહ્યો છે. મીડિયા અહેવાલો મુજબ ઉન્નાવમાં આ મહિલા સાથે કેટલાક બદમાશોએ બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પીડિતા કોઈક રીતે આ નરાધમોથી પોતાને બચાવવા માટે સફળ રહી હતી. વધુ શર્મનાક બાબત તો એ છે કે, જ્યારે આ મહિલા સાથે થયેલા બળાત્કારના પ્રયાસ અને છેડતી અંગે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન ગઈ, ત્યારે ઉન્નાવના પોલીસ કર્મીઓએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. પીડિતાએ એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે, કોઈપણ પોલીસકર્મી તેની ફરિયાદ સાંભળવા તૈયાર ન હતો. પીડિતાનું કહેવું છે કે, પોલીસ કર્મીઓ તેને કહેતા હતા કે, અત્યારે બળાત્કાર તો નથી થયો ને, જ્યારે થશે, ત્યારે જોઈ લઈશું. પીડિતાએ ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે, “પોલીસ કહે છે કે, ફક્ત બળાત્કારનો પ્રયાસ થયો છે, બળાત્કાર તો નથી થયો ને, જ્યારે બળાત્કાર થશે, ત્યારે જોઈ લઈશું.” પીડિતાએ ભય વ્યક્ત કર્યો હતો કે, જો મારી સાથે પણ બળાત્કાર પીડિતાને સળગાવી દેવા જેવી ઘટના ઘટી શકે છે, ત્યારે પોલીસ શું કરશે ? હાલમાં તો તે જીવિત છે, ત્યારબાદ તો તે જીવિત પણ નહીં બચે. ઉન્નાવની આ મહિલાએ કહ્યું હતું કે, તેની સાથે થયેલી જાતીય દુર્વ્યવહારની ઘટના ત્રણ મહિના પહેલાની છે, જ્યારે તે દવા લઈને પરત ફરી રહી હતી, ત્યારે કેટલાક લોકોએ તેની સાથે બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો હતો, જ્યારે તેણે ૧૦૯૦ હેલ્પલાઈન પર ફોન કર્યો, ત્યારે તેને કહેવામાં આવ્યું હતું કે, ૧૦૦ નંબરની જીપ્સી મોકલવામાં આવી છે, પરંતુ પોલીસ ઘટનાસ્થળે ન પહોંચી. ત્યારબાદ પીડિતાએ ઉન્નાવના એસપીની ઓફિસમાં ફોન કર્યો, ત્યાંથી જવાબ મળ્યો કે, જ્યાં ઘટના ઘટી છે, ત્યાં જ કેસ દાખલ થશે. પીડિતાએ કહ્યું હતું કે, તેણે કોર્ટમાં પણ કેસ દાખલ કર્યો હતો, પરંતુ અત્યાર સુધી કોઈ આરોપીની ધરપકડ થઈ નથી. પીડિતાએ રડતા-રડતા કહ્યું હતું કે, તે ત્રણ મહિનાથી ઉન્નાવના બિહાર પોલીસ સ્ટેશનના ચક્કર કાપી રહી છે, તે લગભગ ૩૦ વખત ઉન્નાવ પોલીસ મથકના પણ ધક્કા ખાઈ ચૂકી છે. પીડિતાએ કહ્યું હતું કે, એસપી સાહેબ મને બિહાર પોલીસ સ્ટેશન જવાનું કહે છે, જ્યારે બિહાર પોલીસ સ્ટેશનમાંથી તેને હાંકી કાઢવામાં આવે છે. પીડિતાએ આક્ષેપ કર્યો હતો કે, જ્યારે તે પોલીસ સ્ટેશન જાય છે, ત્યારે તેની સાથે યોગ્ય ભાષામાં વાત કરવામાં આવતી નથી, ત્યાંના પોલીસ કર્મીઓ કહે છે કે, ભલે તું ક્યાંય પણ ફરિયાદ કરવા જઈશ, છેવટે તો તારે અહીં જ આવવું પડશે.

ઉન્નાવની દિકરીના અંતિમ શબ્દો : ‘મને સળગાવનારાઓને
કોઈપણ કાળે છોડશો નહીં, હું મરવા માગતી નથી, મારે જીવવું છે’

(એજન્સી) નવી દિલ્હી, તા.૭
હેવાનિયતનો શિકાર બનેલી ઉન્નાવની રેપ પીડિતા આખરે જીવનની લડાઇ હારી ગઇ છે. ડોક્ટરોએ કહ્યું કે, અમે તેને બચાવવાના પૂરા પ્રયાસ કર્યા પણ તે બચી શકી ન હતી. તેની હાલત એટલી ખરાબ હતી કે બે શબ્દ બોલ્યા બાદ બેભાન થઇ જતી હતી. પોતાના મરણોત્તર નિવેદનમાં પણ પીડિતાએ જીવવાની ઇચ્છા વ્યક્તકરી હતી અને કહ્યું હતું કે, “મને બચાવી લો, હું મરવા માગતી નથી, હું હેવાનોને ફાંસી પર લટકેલા જોવા માગું છું.” ડોક્ટરોએ કહ્યું કે, અંતિમ સમયે પણ તે અત્યંત દર્દ સહન કરતી હતી અને પોતાને બચાવી લેવાની જ માગણી કરી રહી હતી.

દુષ્કર્મીઓને જાહેરમાં ફાંસી આપવામાં
આવે : ઉન્નાવ કેસ પર ગોવાના પ્રધાને કહ્યું
(એજન્સી) ગોવા, તા.૭
ઉન્નાવ ગેંગરેપ પીડિતાનું દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં શુક્રવારે મોડી રાત્રે નિધન થયું. પીડિતાને ગુરૂવારે એરલિફ્ટ કરીને લખનઉથી દિલ્હી લાવવામાં આવ્યું હતું. ઉન્નાવમાં આ હેવાનિયત બાદ સમગ્ર દેશમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ચોમેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે ત્યારે ગોવાના પ્રધાન માઈકલ લોબોએ જણાવ્યું કે, ચાકુની અને બંદૂકની અણીએ કોઇ મહિલા પર બળાત્કાર ગુજારવો અને ત્યાર પછી તેને જીવતા સળગાવી દેવાની એક એવી ઘટના છે જેની કોઇ કલ્પના પણ કરી શકતો નથી. કાયદાથી આવા લોકોને છટકવા દેવા ન જોઇએ અને આવા કેસોમાં દોષિતોને જાહેરમાં ફાંસીની સજા આપવાનું શરૂ કરવું જોઇએ.

અપરાધીઓને ઠોકી દેવાનું કહેનારા સીએમ એક દિકરીને ના બચાવી શક્યા : અખિલેશ યાદવ

(એજન્સી) લખનઉ, તા.૭
ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં આગને હવાલે કરાયેલી રેપ પીડિતાનું શુક્રવારે મોડી રાતે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં મોેત થયું હતું. ઉન્નાવ ગેંગરેપ પીડિતાના નિધન બાદ લખનઉ વિધાનસભા બહાર સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે શનિવારે દેખાવો કર્યા હતા. પીડિતાના મોતના સમાચાર બાદ અખિલેશ પાર્ટીના અનેક વરિષ્ઠ નેતાઓ સાથે વિધાનસભા સામે ધરણા કરવા ગયા હતા. તેમણે પત્રકારોને જણાવ્યું કે, ઘટના માટે રાજ્યની યોગી સરકાર જવાબદાર છે અને સાથે જ જાહેરાત કરી હતી કે, ઘટના વિરૂદ્ધ રવિવારે સમાજવાદી પાર્ટી રાજ્યના દરેક જિલ્લા મુખ્યમથકે શોકસભાનું આયોજન કરશે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, સરકાર અત્યાચારનો ભોગ બનેલી મહિલાઓ અને દિકરીઓની મદદ કરતી નથી. ઉપરાંત તેમણે કહ્યું કે, અત્યંત નિંદનીય ઘટના છે, આ એક કાળો દિવસ છે. ભાજપ સરકારમાં આ પહેલી ઘટના નથી, મુખ્યમંત્રીએ વિધાનસભામાં કહ્યું હતું કે, અપરાધીઓને ઠોકી દેવાશે અને આજે તેઓ એક દિકરીનો જીવના બચાવી શક્યા. જ્યાં સુધી રાજ્યના મુખ્યમંત્રી, ડીજીપી અને ગૃહ સચિવ રાજીનામું નહીં આપે ત્યાં સુધી ન્યાય નહીં થાય.

‘‘અપરાધીઓને અઠવાડિયામાં લટકાવી દો અથવા ગોળી મારી દો’’ : ઉન્નાવ પીડિતાના પિતા

(એજન્સી) ઉન્નાવ, તા.૭
ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં રેપ અને ત્યારબાદ આગને હવાલે કરાનારી ૨૩ વર્ષની મહિલાના મોતથી દેશભરમાં આક્રોશ ભભૂકી રહ્યો છે જ્યારે તેના ભાંગી પડેલા પિતાએ એક જ વિનવણી કરી છે કે, આરોપીઓ સામે આકરા પગલાં લેવામાં આવે. તેમણે કહ્યું કે, હૈદરાબાદમાં જે આરોપીઓ સાથે કરાયું તે જ મારી દિકરીના ગુનેગારો સાથે થવું જોઇએ. મારી દિકરીને જેણે સળગાવી છે તેમને લટકાવી દો અથવા ગોળી મારી દો. આ મારી સરકારને વિનંતી છે. તેના પિતાએ કહ્યું કે, તેલંગાણામાં શુક્રવારે વેટરનરી ડોક્ટર સાથે રેપ અને હત્યા કરનારા આરોપીઓ સાથે જે થયું તેવું જ તેમની દિકરીના ગુનેગારો સાથે થવું જોઇએ. તેમણે કહ્યું કે, મારી દિકરીએ તેને સળગાવી તે સાંજે મને કહ્યું કે, તે અઢી મહિના પહેલા તેની સાથે થયેલા દુષ્કર્મના આરોપીઓ સામે રાયબરેલીમાં ચાલતી સુનાવણીમાં જઇ રહી હતી. ત્યારે પાંચ દિવસ પહેલા જામીન પર છૂટેલા આરોપી શિવમ ત્રિવેદીએ પોતાના મિત્રો સાથે મળીને તેના પર હુમલો કર્યો હતો. તેણે કહ્યુ કે, તે ટ્રેન કે બસમાં જઇ રહી છે તે વિશે મને કહ્યું ન હતું. તેણે સવારે અમને ઉઠાડ્યા ન હતા અને જતી રહી. તે મેઇન રોડ પર જઇ રહી હતી ત્યારે પકડીને પેટ્રોલ છાંટી દેવાયું. ત્યારબાદ તે એક કિલોમીટર સુધી દોડી હતી અને પોલીસની મદદ માગતી રહી. હુમલા પહેલા તેણે મને કહ્યું હતું કે, આરોપીઓ મને ધમકી આપી રહ્યા છે કે, કાંતો બાળી નાખશે અથવા ગોળી મારી દેશે.

ઉન્નાવ રેપ પીડિતાના ગામની મુલાકાત લેવા પહોંચેલા યોગી સરકારના બે પ્રધાન સામે નારાજ લોકોએ પ્રદર્શન કર્યું, પોલીસે બચાવ કર્યો

(એજન્સી) ઉન્નાવ (યુપી), તા.૭
ઉન્નાવની રેપ પીડિતાનું દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં શુક્રવારે મોડી રાત્રે મૃત્યુ નીપજ્યું છે. બળાત્કારના આરોપીઓએ પીડિતાને જીવતી સળગાવી દીધી હતી. દરમિયાનમાં ઉત્તર પ્રદેશની યોગી સરકારના બે પ્રધાનો શનિવારે સાંજે ઉન્નાવમાં પીડિતાના ગામમાં પહોંચ્યા ત્યારે નારાજ સ્થાનિક લોકોએ તેમની વિરૂદ્ધમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. સીએમ યોગી આદિત્યનાથે બે પ્રધાનો કમલ રાની વરૂણ અને સ્વામી પ્રસાદ મૌર્યને ઉન્નાવની મુલાકાત લેવા મોકલવામાં આવ્યા હતા. યોગીના પ્રધાનોની કાર ગામમાં ઘૂસી તો સ્થાનિક લોકોએ બૂમો પાડીને કહ્યું કે, ‘હવે શા માટે ?’ ત્યાર બાદ રોષે ભરાયેલા ગ્રામીણોને પોલીસ કર્મચારીઓએ પ્રધાનોની કારથી દૂર રાખ્યા હતા.