યુનાઈટેડ નેશન્સ, તા.ર૧
પાકિસ્તાને યુએનમાં રજૂઆત કરી હતી કે યુ.એન.ની સુરક્ષા પરિષદે લાંબા સમયથી ચાલી આવતા વિવાદો જેમાં જમ્મુ કાશ્મીર અને પેલેસ્ટીનનો વિવાદ પણ સમાવિષ્ઠ છે એમના ઉકેલ માટે પોતે કરાયેલ ઠરાવોનો અમલ કરાવવા પસંદગીની પ્રક્રિયાનો અંત લાવવો જોઈએ.
યુએન ખાતેના પાકિસ્તાનના રાજદૂત મલીહા લોધીએ સુરક્ષા પરિષદની ચર્ચામાં ભાગ લેતા ટિપ્પણી કરી હતી. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવવા પ્રયાસો કરવા જોઈએ એ વિશે ચર્ચાઓ થઈ હતી. જેમાં આંતરરાષ્ટ્રીય કાયદાઓનો અમલ કરાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. લોધીએ કહ્યું હતું, કાઉન્સિલે પોતાનું કાર્ય પૂર્વગ્રહ વિના કરવું જોઈએ. લાંબા સમયથી ચાલી આવતા વિવાદો જેમાં કાશ્મીર અને પેલેસ્ટીનના વિવાદો છે. એ વિશે ઠરાવો અને નિર્ણયોનો અમલ કરાવવા માટે પસંદગીનો અંત લાવવો જોઈએ. ન્યાય વિના ત્યાં શાંતિની સ્થાપના થઈ શકશે નહીં.
લોધી અને પાકિસ્તાની ડેલિગેશન ગમે તે પ્રકારે કાશ્મીરનો મુદ્દો જુદા-જુદા પ્રસંગોએ ઉઠાવે જ છે.
આ મહિનાની શરૂઆતમાં પાકિસ્તાનના ડેલિગેટ મસૂદ અનવરે માહિતી બાબતની કમિટી સમક્ષ માનવ અધિકારોના ભંગનો મુદ્દો ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે, કાશ્મીરના લોકોના માનવ અધિકારોનો ભંગ થઈ રહ્યો છે.
ભારતે અનવરના કાશ્મીર અંગેના સંદર્ભને રદિયો આપતા જણાવ્યું હતું કે, કમિટીના એજન્ડામાં આ મુદ્દો આપતો ન હોવાથી એની ચર્ચા કરવી અસંગત છે.