(એજન્સી) નવી દિલ્હી, તા.૫
લોકસભાની આગામી ચૂંટણીઓમાં ભાજપને પરાજય આપવા માટે વિરોધ પક્ષો પોત-પોતાની વ્યૂહરચનાઓ પર જોરદાર રીતે કામ કરવાનું શરૂ કરી દીધું છે. ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધન બનાવીને ચૂંટણી લડવાની તૈયારીઓ કરી રહેલી સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ કોંગ્રેસને પણ સાથે લેવામાં રસ બતાવ્યો છે. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, સપા-બસપા ગઠબંધન અને કોંગ્રેસ વચ્ચે ઉત્તર પ્રદેશમાં પાછલા બારણે મંત્રણા થઇ છે. ગઠબંધને કોંગ્રેસને ૯ બેઠકની ઓફર કરી છે. આ ૯ બેઠકમાં રાયબરેલી અને અમેઠીની બે બઠકનો સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના ધીમા પડેલા પ્રચાર પાછળ આ પણ એક કારણ છે. રાષ્ટ્રીય સ્તરના મોટા નેતાઓએ ઉત્તર પ્રદેશમાં વિપક્ષને સંગઠિત રાખવા માટે કોંગ્રેસ અને સપા-બસપા સાથે મંત્રણા કરી છે. સપા-બસપા ગઠબંધન અને કોંગ્રેસ વચ્ચે બેઠક સમજૂતી અંગે થોડાક દિવસમાં અંતિમ નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના છે. દરમિયાન એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, કોંગ્રેસે સપા-બસપા ગઠબંધન પાસે ૨૦ સીટની માગણી કરી છે અને જણાવ્યું કે ૨૦થી ઓછી સીટ તેને મંજૂર નથી. પાકિસ્તાનના બાલાકોટમાં ત્રાસવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના કેમ્પ પર ભારતીય વાયુ દળ દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઇક બાદ એક મજબૂત નેતા તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી વધુ મજબૂત થઇ છે. આવી પરિસ્થિતિમાં વિરોધ પક્ષોને એવું લાગી રહ્યું છે કે, લોકસભાની આગામી ચૂંટણીઓમાં ભાજપને વધુ લાભ થઇ શકે છે અને તેના કારણે હવે વિરોધ પક્ષો પહેલા કરતા વધુ સંગઠિત થવાની કોશિશમાં છે.