(એજન્સી) લખનૌ, તા.૪
રવિવારે સવારે બલ્લિયા જિલ્લાના મહારાજપુર ગામ નજીક આવેલા એક અવાવરું વિસ્તારમાંથી સ્થાનિક સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાનો ગોળીઓથી વીંધાયેલો મૃતદેહ મળી આવ્યો, તેમ પોલીસે જણાવ્યું હતું. શનિવારે સાંજે ૪૭ વર્ષીય મનોજ સિંઘના પરિવારે તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ હત્યા અંગે અંગત અદાવત હોવાની શંકા વ્યક્ત કરી છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, તેની છાતી ગોળીઓથી વીંધાયેલી હતી. અમે રવિવારે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે અને ઓટોપ્સી રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. તેનો મૃતદેહ તેના પરિજનોને સોંપી દેવામાં આવ્યો છે. સિંઘે કોન્ટ્રાક્ટર છે અને સપા કાર્યકર્તા પણ છે તે પાર્ટીના ભૂતપૂર્વ કેબિનેટ સભ્યની નજીક હોવાનું મનાય છે. શનિવારે તે પોતાના એક સંબંધીને મળવા ગયા હતા, પરંતુ ત્યાંથી તેઓ પાછા ફર્યા નહોતા. તેવા અહેવાલ મળ્યા છે. તપાસકર્તાઓને આગામી સવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બાબતની જાણ થતાં વરિષ્ઠ પોલીસ અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તેમણે આ અંગે કેસ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.