(એજન્સી) તા.૩૦
૧૪ માર્ચ ર૦૧૮ના રોજ મહાશિવરાત્રીના પર્વે બારાબંકી જિલ્લામાં પોતાના પર કાબૂ ગુમાવી બેઠેલા યુવકોએ પોતાના ભાઈ સાથે બાઈક પર જતી એક મુસ્લિમ યુવતી પર રંગ ઉડાડતા તેના ભાઈએ વાંધો ઉઠાવતા યુવકોએ તેની પણ હેરાનગતિ કરી હતી. આ બાદ બન્ને જૂથો વચ્ચે થયેલી અથડામણમાં પોલીસે ૧ર વ્યક્તિઓની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા તમામ મુસ્લિમો હતા જેમાંના કેટલાકને બીજા દિવસે ઘરમાંથી પકડી જેલમાં નાંખ્યા હતા. જ્યારે તેઓને જામીન પર મુક્ત કરાઈ રહ્યા હતા ત્યારે તેમાંના ચારને ફરી રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ હેઠળ જેલમાં ધકેલવામાં આવ્યા. રિહાઈમંચના પ્રતિનિધિ મંડળે રમઝાનના પવિત્ર મહિનામાં આ ચારેય યુવકોના પરિવારની મુલાકાત લીધી હતી. રાજીવ યાદવ, શ્રીજનયોગી અદિયોગી, લક્ષ્મણ પ્રસાદ, વિરેન્દ્ર ગુપ્તા અને નાગેન્દ્ર યાદવે રિઝવાન, ઝુબેર, અતિક અને મુમતાઝના પરિજનોની મુલાકાત લીધી હતી. તેઓ રિઝવાનના પપ વર્ષીય લકવાગ્રસ્ત પિતાને પણ મળ્યા જેમની વિરૂદ્ધ પણ ગુનો નોંધાયો છે. આ પ્રતિનિધિ મંડળે શાહ ફહદની મુલાકાત લીધી જેમની બહેન પર રંગ નાંખવામાં આવ્યો હતો. ફહદ પર પણ કેસ દાખલ છે પરંતુ તે જામીન પર બહાર છે. રિઝવાનના પિતા જાન મોહમ્મદ છેલ્લા એક વર્ષથી લકવાગ્રસ્ત છે. તેઓ પોતાના હાથ-પગ હલાવી શકતા નથી. છતાં પોલીસે તેમના પર તોફાનોમાં ભૂમિકા ભજવી હોવાનો આરોપ મૂકયો છે જે પોલીસની કામગીરી પર ઘણા પ્રશ્નો ઊભો કરે છે. જાનની પત્ની શકીલાએ પોતાના પતિ તરફ ઈશારો કરતાં કહ્યું કે અમારી સાથે ઘોર અન્યાય થયો છે. શું આ માણસ લડાઈ કરી શકે છે ? જાન મોહમ્મદની સાયકલ રીપેરિંગની દુકાન હતી પરંતુ તે હવે અશંકા હોવાથી તેમનો પોલિયોગ્રસ્ત પુત્ર તાજ મોહમ્મદ ઘરનું ભરણપોષણ કરવા ભારે મહેનત કરવી પડી રહી છે કારણ કે ઘરનો મોટો દીકરો રિઝવાન વિના કોઈ વાંકે જેલના સળિયા પાછળ છે. રિઝવાનની પત્ની રૂબીએ જણાવ્યું કે, તેનો પતિ ઘટના સ્થળે હાજર પણ ન હતો છતાં પોલીસ બીજા દિવસે સવારે આવી તેની ધરપકડ કરી ગઈ. રિઝવાનના બે પુત્ર છે જેમાંથી એક ૩ વર્ષનો છે જ્યારે બીજો માત્ર ચાર મહિનાનો છે. મુમતાઝના પરિવારની વાત કરીએ તો તેમની માતાને તો ખબર પણ નથી કે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ શું છે. તેણીને માત્ર એટલી ખબર છે કે તે તેમનું કાચું ઘર ઠીક કરી રહ્યો હતો ત્યારે પોલીસ આવી અને તેને પકડી લઈ ગઈ અને તે હજુ સુધી પરત ફર્યો નથી. મુમતાઝના પિતા કમરૂદ્દીને કહ્યું કે, જો તેણે હુલ્લડ કર્યા હોત તો પલાયન થઈ ગયો હોત, ઘરનું સમારકામ ન કરી રહ્યો હોત. અતિકનો ભાઈ શાહ ફહદ તેમની બહેન સાથે આવી રહ્યો હતો ત્યારે તેણી પર રંગ ફેંકવામાં આવ્યો. ફહદે કહ્યું કે લોકો ટોળામાં આવી રહ્યા હતા. કેટલાક છોકરાઓએ મારી બહેન પર રંગ ફેંકયો જેનો મેં વિરોધ કરતાં તેમણે મને મારવાનું શરૂ કર્યું. તેમાંના કેટલાકે મને બચાવ્યો હું ઘરે આવી શક્યો. ઝુબેરની પત્ની ઝુબેદા પણ તેના પતિની નિર્દોષતાનો દાવો કરતાં કહે છે કે તેઓ રોજની જેમ જ જીવન ગુજારી રહ્યા હતા અને અચાનક પોલીસ આવી અને ઝુબેરને લઈ ગઈ. ઝુબેરના ત્રણ બાળકો છે. તેની ધરપકડ બાદ પરિવારની હાલત કથળી રહી છે. તેના પિતા હબીબ પોતાની મર્યાદિત આવક સાથે સૌનું ભરણપોષણ કરવામાં અસક્ષમ છે. પીડિતોના પરિવાર અને ગ્રામજનો સાથેની વાતચીત બાદ રિહાઈમંચ દ્વારા બે પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા છે. ૧. જ્યારે અથડામણ બે સમુદાયો વચ્ચે થઈ હતી તો માત્ર એક જ સમુદાયના લોકોને આરોપી ઠેરવી અટકાયત કેમ કરાઈ છે ? ર. એફઆઈઆર માત્ર એક સમુદાયની જ દાખલ કરવામાં આવી છે અને જે રંગ ફેંકવાની ઘટનાના કારણે સ્થિતિ વણસી હોવાનું મનાય છે તે ઘટના અંગે એફઆઈઆરમાં શા કારણે ઉલ્લેખ નથી. જો ખરેખર રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમનું ઉલ્લંઘન થયું હોય તો તેનું મૂળભૂત કારણ યુવતી પર રંગ ફેંકાવવાની ઘટના છે જેના પર પોલીસે ધ્યાન કેન્દ્રીય કર્યું નથી. બીજી મહત્ત્વની બાબત એ છે કે, આ ઘટના સ્વયંસ્ફૂર્તિ પણે બની અને થોડીવારમાં બધા વિખેરાઈ પણ ગયા. જ્યારે બીજા દિવસે હિન્દુ યુવાવાહિની અને હિન્દુ સામ્રાજ્ય પરિષદના કાર્યકર્તાઓ તથા સ્થાનિક ભાજપ ધારાસભ્ય શરદ અવસ્થીએ પોલીસ પર દબાણ નાંખ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. રિહાઈમંચે આરોપ મૂકયો કે સ્થાનિક પૂજારી આદિત્યનાથ તિવારી, રાજન તિવારી, ડૉ.ચંદ્રેધ્ય શુક્લા, પુત્યેન્દ્ર અવસ્થી, અમિત અવસ્થી, દીપક અવસ્થી, ઉમેશ તિવારી અને પુષ્પેન્દ્રસિંહે તણાવ ફેલાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હોવા છતાં તેમની વિરૂદ્ધ કોઈ પગલાં લેવાયા નથી. નોંધનીય છે કે, સપ્ટેમ્બર ૧૯૮૦માં લાગુ કરાયેલ રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ કેન્દ્ર અને રાજ્ય સરકારોને કેટલીક છૂટછાટ આપે છે પરંતુ ઈતિહાસમાં ડોકિયું કરીએ તો આ નિયમનો રાજકીય કે બિન-રાજકીય ફાયદા માટે પક્ષપાતી ધોરણે ઉપયોગ થતો આવ્યો છે જેના કારણે અનેક નિર્દોષોએ જીવનના ઘણા વર્ષો વિના કોઈ વાંકે જેલના સળિયા પાછળ ગાળવા પડે છે.