(એજન્સી) લખનૌ, તા. ૧૬
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે અલ્હાબાદ શહેરનું નામ બદલીને પ્રયાગરાજ કરી દેવામાં આવ્યું છે. કુંભનગરી અલ્હાબાદનું નામ હવે સત્તાવાર રીતે પ્રયાગરાજ થઇ ગયું છે. ઉત્તર પ્રદેશના પ્રધાનમંડળની બેઠક યોજાયા બાદ રાજ્યના પ્રધાન સિદ્ધાર્થનાથે જણાવ્યું કે અલ્હાબાદ શહેરનું નામ બદલીને ‘પ્રયાગરાજ’ કરવાના પ્લાનને કેબિનેટે મંજૂરી આપી દીધા બાદ હવે આજે મંગળવારથી અલ્હાબાદ ‘પ્રયાગરાજ’ થઇ ગયું છે. દરમિયાન, રાજ્યપાલ રામનાઇકે આની મંજૂરી પણ આપી દીધી છે. જ્યારે કોંગ્રેેસે અલ્હાબાદનું નામ બદલવાનો વિરોધ કર્યો છે. આ સાથે જ રાજ્યમાં નામ બદલવાની રાજનીતિમાં નવો અધ્યાય જોડાઇ ગયો છે. અગાઉ, મુગલસરા જંક્શનનું નામ બદલીને પંડિત દીનદયાલ ઉપાધ્યાયનગર કરી દેવામાં આવ્યું હતું. શહેરનું નામ બદલવાની સાથે જ અલ્હાબાદ હાઇકોર્ટ, અલ્હાબાદ યુનિવર્સિટીના નામ પણ બદલવામાં આવશે. સરકાર દ્વારા અન્ય ઘણી યોજનાઓ અને સ્થળોના નામ પણ બદલી નાખવામાં આવ્યા છે.
મીડિયાના અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે કુંભ ૨૦૧૯ માટે બનાવવામાં આવી રહેલા બેનરમાં આયોજન સ્થળનું નામ અલ્હાબાદને બદલે પ્રયાગરાજ લખવામાં આવી રહ્યું છે. કુંભમેળાની ૨૦૧૯ની ૧૫મી જાન્યુઆરીથી શરૂઆત થશે. થોડાક દિવસ પહેલા જ સંતો દ્વારા મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને અલ્હાબાદનું નામ બદલવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. ત્યાર પછી યુપીના મુખ્ય પ્રધાને પોતે જ એક પત્રકાર પરિષદમાં અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવાની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે આ મુદ્દા અંગે વિરોધ પક્ષો ભાજપ સરકારને ઘેરવાના પ્રયાસો કરી રહ્યા હતા પરંતુ વિપક્ષના વિરોધને અવગણીને યોગી સરકાર પોતાના નિર્ણય પર અડગ રહી હતી. ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે પણ યોગી સરકાર સામે નિશાન સાધતા શહેરનું નામ બદલવાની બાબતને આસ્થા સાથે રમત ગણાવી છે. તેમણે કહ્યું કે યોગી સરકાર માત્ર નામ બદલીને પોતાના કાર્યોનો પ્રચાર કરવા માગે છે.