(એજન્સી) યુપી, તા.૧૬
ઉત્તરપ્રદેશમાં લખનૌમાં કિંગ જ્યોર્જ મેડિકલ કોલેજના ટ્રોમા સેન્ટરમાં શનિવારે (૧પ જુલાઈ) ભીષણ આગ લાગતા છ દર્દીઓનાં મોત થયા હતા તથા અન્ય દર્દીઓને સહી-સલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આ ઘટનામાં ટ્રોમા સેન્ટરને ઘણું નુકસાન પહોંચ્યું હતું. યુપીના મુખ્યમંત્રી યોગીએ ત્રણ દિવસની અંદર રિપોર્ટ માંગ્યો છે. યોગી આદિત્યનાથે લખનૌ મંડળને કહ્યું કે જે લોકોએ આ ઘટના અંગે બેદરકારી દાખવી છે, તેમની વિરૂદ્ધ સખત પગલાં લેવામાં આવશે. હોસ્પિટલમાં હાજર લોકોનો દાવો હતો કે આગ બુઝાવવા કોઈ પણ યંત્ર કામ કરતું ન હતું. જેના કારણે ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ હતી. દર્દીઓના પરિજનોએ હોસ્પિટલના પ્રશાસન પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. હોસ્પિટલ પ્રશાસન અનુસાર આગ એવા સ્ટોરમાં લાગી હતી જેમાં દવાઓ પડી હતી. ૧પ૦ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જ્યાં દર્દીઓના પરિજનોએ જણાવ્યું કે હોસ્પિટલ તરફથી અમને કોઈ મદદ મળી ન હતી, એક સ્ટ્રેચર પર ત્રણ-ત્રણ લોકોને શિફ્ટ કર્યા હતા. ટ્રોમા સેન્ટરમાં ક્યાંક લોહી તો કયાંક ઈન્જેકશન અને દવાઓ વેર-વિખેર પડી હતી. દર્દીઓના ઓપરેશનનો સામાન તથા ઈલાજ સંબંધી દસ્તાવેજ પણ પાણીમાં પલળી ગયા હતા. આગ બુઝાવવા માટે આઠ ફાયરબ્રિગેડ સહિત ૪૦ લોકોને બોલાવવામાં આવ્યા હતા. આગ પર કાબૂ મેળવવા લગભગ ર કલાકનો સમય લાગ્યો હતો. હાલ હોસ્પિટલનો માત્ર ગ્રાઉન્ડ ફ્લોર ચાલુ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.